ભરૂચ જિલ્લા કોગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ આગેવાનની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાયા બાદ પ્રદેશ આગેવાન સાથે ફોટા પડાવવા મુદે શહેર કોગ્રેસ પ્રમુખ અને મહિલા જિલ્લા પ્રમુખ વચ્ચે શાબ્દીક બોલાચાલી બાદ મામલો પોલીસ મથકે પહોંચતા મહિલા પ્રમુખે કોગ્રેસના શહેર પ્રમુખ સામે એટ્રોસીટી, જાનથી મારી નાખવાની ધમકીની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ ડી.વાયએસપી. કક્ષાના અધિકારીને સોંપવામાં આવી હોવાના અહેવાલો મળી રહયા છે.

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લા કોગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશમાંથી ચારૂલતાબેન ભરૂચમાં આગેવાનો સાથે અને પત્રકાર પરિષદ સંબોધવા આવ્યા હોય જેમાં શહેર, જિલ્લાના કોગ્રેસના આગેવાનો પણ હાજર હોય તે દરમ્યાન પ્રદેશ કોગ્રેસ આગેવાન સાથે ફોટા પડાવવા જિલ્લાના મહિલા આગેવાનોને શહેર પ્રમુખ સલીમ અમદાવાદીએ કહયું કે, હવે પત્યુ હોય તો શહેર કોગ્રેસની મહિલાઓને ફોટા પાડી લેવા દો….
તેમ કહેતાં જ જિલ્લા મહિલા પ્રમુખ જયોતિબેન તડવી અને શહેર કોગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી વચ્ચે બોલાચાલી બાદ શહેર પ્રમુખે તેમને જાતિ વિશે ગાળો ભાંડી હોવાના આક્ષેપ સાથે ફરીયાદી તાત્કાલીક એ.ડિવીઝન પોલીસ મથકે પહોંચી જતાં લેખિત અરજી આપતા ફરીયાદીની અરજીના અનુસંધાનમાં આખરે સલીમ અમદાવાદી સામે એટ્રોસીટી, જાનથી મારી નાખવાની ધમકીની ફરીયાદ નોંધાતા કોગ્રેસમાં જ ગંભીર પ્રકારનો વિખવાદ સામે આવતાં જિલ્લા મહિલા પ્રમુખ અને શહેર પ્રમુખ વચ્ચે જામેલા યુધ્ધનો અંત કયારે આવશે અને કેવો આવશે…?
તેવા સવાલો વચ્ચે હાલ તો કોગ્રેસીઓમાં પણ સમગ્ર મુદો ચર્ચાસ્પદ બનતાં ફરીયાદી જયોતિબેન તડવીએ પણ શહેર કોગ્રેસ પ્રમુખ સામે ગંભીર આક્ષેપો કરી ફરીયાદી નોંધાવી છે.
જો કે સમગ્ર મામલે ફરીયાદી જયોતિબેન તડવીએ કરેલા આક્ષેપોને શહેર કોગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ પાયા વિહોણા ગણાવી તેઓએ કહયું હતું કે, અમોએ જયોતિબેન તડવીને એટલું જ કહયું છે કે બેન હવે જિલ્લા કક્ષાની મહિલાઓએ ફોટા પડાવી લીધા હોય તો શહેર કોગ્રેસની મહિલાઓને પણ ફોટા પડાવી લેવા દો… પરંતુ જિલ્લા મહિલા પ્રમુખને કોઈએ ચઢાવતા તેઓએ ફરીયાદ નોંધાવી છે અને તે પાયા વિહોણી છે અને કોગ્રેસના જ કેટલાંક વિધ્ન સંતોષિઓએ ફરીયાદ કરાવી હોય તેવું પણ શહેર કોગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ મીડીયા સમક્ષ કહયું છે.
કોગ્રેસમાં શહેર પ્રમુખ સામે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીથી અને કોગ્રેસમાં વધુ પડતા લઘુમતિઓને હોદા આપતા સલીમ અમદાવાદી વિવાદમાં રહયા…
કોગ્રેસ શહેર પ્રમુખ તરીકે સલીમ અમદાવાદીની નિયુકતી થયા બાદ તેઓએ કોગ્રેસ સંગઠનમાં લઘુમતિ સમાજના લોકોને વધુ પડતા હોદા આપ્યા હોય અને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પણ કોગ્રેસના જ બે જય–વિરુના પટ્ટા કાપવાની નેમમાં પ્રદેશમાંથી મેન્ડેટ લઈ આવી ઈલેકશન જીત્યા હોય અને શહેર કોગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સામે કોગ્રેસના જ લોકોમાં ભારે વિખવાદ હોવાના કારણે આખરે શહેર કોગ્રેસ પ્રમુખ સામે એટ્રોસીટીની ફરીયાદ નોંધાઈ જતાં હવે તેઓ રાજીનામું આપશે કે પછી પક્ષ તેઓને સસ્પેન્ડ કરશે તેવા સવાલો વચ્ચે હાલ તો ફરીયાદીએ સસ્પેન્ડની માંગ પણ કરી છે.
ર૦ર૭ની વિધાનસભાની ચૂંટણીમાં સંગઠનને મજબુત કરવાને બદલે હોદેદારો બાખડી રહયા છે…
કોગ્રેસ પક્ષમાં ટાંંટીયા ખેંચ પધ્ધતિના કારણે પક્ષ મજબુતીથી આગળ વધતો નથી અને આગેવાનોમાં જ ભાગલાઓની નીતી રહી હોય અને તેવામાં આગામી ર૦ર૭ની વિધાનસભાની ચૂંટણીને લઈ કોગ્રેસ પક્ષને મજબુત કરવાને બદલે મહિલા જિલ્લા પ્રમુખ શહેર કોગ્રેસ પ્રમુખ સામે એટ્રોસીટીની ફરીયાદ નોંધાવી દેતા કોગ્રેસના જ હોદેદારોમાં વિખવાદ ચરમસીમાએ રહયો હોય તેવું માનવામાં આવે છે.





