નર્મદા જિલ્લામાં કાયદા અને નિયમોને નેવે મૂકીને પેટ્રોલ-ડીઝલના વેચાણનો ગંભીર મામલો સામે આવ્યો છે. ચિકદા તાલુકાના શંભુનગર ખાતે આવેલા શ્રી દેવ દરબાર સુપર સ્ટોરમાં કથિત રીતે ખુલ્લેઆમ પેટ્રોલ અને ડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની વિગતો સામે આવી છે. એટલું જ નહીં, સ્થળ પર પેટ્રોલ-ડીઝલ ઢોળાતું હોવા સાથે આસપાસ મોટા પ્રમાણમાં ભંગાર પણ પડેલો જોવા મળી રહ્યો છે, જે આગજની જેવી આકસ્મિક દુર્ઘટનાને આમંત્રણ આપી શકે તેવી ચિંતાજનક સ્થિતિ ઊભી કરે છે.
સૌથી ગંભીર બાબત એ છે કે પેટ્રોલ અને ડીઝલ જેવા અત્યંત જ્વલનશીલ પદાર્થોનું વેચાણ નિયત કાયદાકીય મંજૂરી, સુરક્ષા વ્યવસ્થા અને જરૂરી તકેદારીઓ વિના કરવામાં આવતું હોય તો તે માત્ર નિયમોનો ભંગ જ નહીં, પરંતુ આસપાસના લોકોના જીવ અને મિલકત માટે પણ મોટું જોખમ બની શકે છે.
શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?
આ સમગ્ર મામલે મીડિયા દ્વારા ચિકદા મામલતદારશ્રીનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે મામલતદારશ્રીએ આ બાબતને ધ્યાનમાં લઈને સ્થળ પર માણસો મોકલ્યા હોવાનું અને વેચાણ બંધ કરાવી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું. પરંતુ સવાલ એ છે કે માત્ર માણસો મોકલવાની વાત કરવાથી જવાબદારી પૂર્ણ થઈ જાય છે ખરી? સ્થળ પર ખરેખર તપાસ કરવામાં આવી છે કે કેમ? વેચાણ બંધ કરાવવામાં આવ્યું છે કે કેમ? અને જો નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી ક્યારે થશે?
આટલું જ નહીં, મીડિયા દ્વારા મામલતદારશ્રીની રૂબરૂ મુલાકાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પત્રકારોને મામલતદારશ્રી તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હોવાનું સામે આવ્યું છે. એક તરફ જનસુરક્ષા સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે, તો બીજી તરફ જવાબદાર અધિકારી તરફથી સ્પષ્ટ જવાબ ન મળવો એ પણ અનેક સવાલો ઊભા કરે છે.
તંત્રની જવાબદારી માત્ર આશ્વાસન આપવા પૂરતી છે?
જો આવી જગ્યાએ કોઈ તણખો પડે, શોર્ટ સર્કિટ થાય કે અન્ય કોઈ કારણસર આગ લાગે તો તેની જવાબદારી કોની રહેશે? આસપાસના લોકોની સુરક્ષાની જવાબદારી કોણ લેશે? શું કોઈ મોટી જાનહાનિ થયા બાદ જ તંત્ર જાગશે?
મીડિયા તંત્ર સમક્ષ સવાલ ઉઠાવે છે કે શ્રી દેવ દરબાર સુપર સ્ટોર ખાતે પેટ્રોલ-ડીઝલના વેચાણ માટે જરૂરી પરવાનગીઓ છે કે નહીં? સંગ્રહ માટેના નિયમોનું પાલન થાય છે કે નહીં? અગ્નિશામક સાધનો અને સુરક્ષાની વ્યવસ્થા ઉપલબ્ધ છે કે નહીં? આ તમામ બાબતોની તાત્કાલિક તપાસ થવી અત્યંત જરૂરી છે.
હવે જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત પેટ્રોલિયમ વિભાગે તાત્કાલિક સ્થળ તપાસ કરી, ગેરકાયદેસર વેચાણ થતું હોય તો તેને બંધ કરાવી જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.
જનતાની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ ચલાવી શકાય નહીં. હવે જોવાનું એ રહ્યું કે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર આ ગંભીર મામલે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે કે પછી કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જુએ છે?





