જંબુસર એસટી ડેપોમાં બસની બ્રેક ફેલ થવાની ઘટના સામે આવી છે. બ્રેકમાં ખામી સર્જાતાં બસ ડેપો પરિસરમાં બેકાબૂ બની અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

મળતી માહિતી મુજબ, આ બસ સવારે 8 વાગ્યે જંબુસરથી સુરત રૂટ પર ઉપડવાની હતી. જોકે, બસ ડેપોમાં જ આ ઘટના બનતાં મુસાફરોની સુરક્ષા અને બસોની ટેકનિકલ તપાસ અંગે ચર્ચા શરૂ થઈ છે.

આ ઘટનાને પગલે કેટલાક મહત્વના સવાલો ઊભા થયા છે. બસને રૂટ પર મોકલતાં પહેલાં તેની બ્રેક સિસ્ટમ અને અન્ય ટેકનિકલ બાબતોની તપાસ કરવામાં આવી હતી કે નહીં? બસના નિયમિત મેન્ટેનન્સની પ્રક્રિયા યોગ્ય રીતે કરવામાં આવે છે કે કેમ? તેમજ બ્રેક ફેલ થવાનું ચોક્કસ કારણ શું હતું?

જો આ પ્રકારની ખામી મુસાફરોથી ભરેલી બસમાં માર્ગ પર સર્જાઈ હોત તો પરિસ્થિતિ ગંભીર બની શકી હોત. તેથી એસટી વિભાગ દ્વારા ઘટનાની ટેકનિકલ તપાસ કરી હકીકત જાહેર કરવી જરૂરી છે.

આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તે રાહતની બાબત છે. તેમ છતાં ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે બસોની સમયસર તપાસ, મેન્ટેનન્સ અને સુરક્ષાનાં ધોરણોનું યોગ્ય પાલન થાય તે જરૂરી છે. એસટી વિભાગના જવાબદાર અધિકારીઓ આ મામલે તપાસ કરી જરૂરી પગલાં લે એવી માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here