વડાપ્રધાન સમક્ષ ખેડૂતો અને આદિવાસીઓના પ્રશ્નો રજૂ કરવા મુલાકાત માંગનાર GPCC મહામંત્રી સંદીપ માંગરોલાના નિવાસસ્થાને પોલીસ પહેરોલગાવાયો સાથે તેમને એકતાનગર જતાં રોકવાની મૌખિક સૂચના અંગે ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે તો બીજી તરફ તાપી જિલ્લાના વ્યારા ખાતે આદિવાસી સમાજના વર્ષોથી પડતર પ્રશ્નો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમક્ષ રજૂ કરવા જઈ રહેલા આદિવાસી યુવા આગેવાનોને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવતાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા જાગી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ નર્મદા જિલ્લાના આદિવાસી પરિવારોના વન અધિકાર અધિનિયમ (FRA), 2006 હેઠળના પડતર દાવાઓ તથા સરદાર સરોવર ડેમ માટે સંપાદિત કરવામાં આવેલી અંદાજે 1,800 એકર જમીનના પ્રશ્નો રજૂ કરવા માટે તા. 31 ઑક્ટોબર, 2026ના રોજ એકતાનગર ખાતે મુલાકાતનો સમય માગ્યો છે.
આ અંગે તા. 27 ઑક્ટોબરના રોજ PMOને જિલ્લા કલેક્ટર, નર્મદા મારફતે લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. આ મુલાકાત માટે અસરગ્રસ્ત ખેડૂતો અને આદિવાસી પરિવારોના પ્રતિનિધિમંડળને સાથે લઈ જવાની વિનંતી કરવામાં આવી છે.
પરંતુ આશ્ચર્યજનક રીતે, તા. ૩૦ ઑક્ટોબરના રોજ સવારે 6 વાગ્યાથી તેમના નિવાસસ્થાનની બહાર D-સ્ટાફના પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, તેઓ પોતાની વ્યક્તિગત કારમાં જ્યાં જાય ત્યાં ખાનગી વાહનમાં પોલીસ કર્મચારીઓ દ્વારા તેમનો પીછો કરવામાં આવે છે અને D-સ્ટાફનો એક કર્મચારી તેમની વ્યક્તિગત કારમાં પણ બેસી જાય છે.વધુમાં, પોલીસ કર્મચારીઓ દ્વારા તેમને મૌખિક રીતે જણાવવામાં આવ્યું છે કે તેઓ તા. 31 ઑક્ટોબરના રોજ એકતાનગર જઈ શકશે નહીં.
તા. ૩૧ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન સમક્ષ દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના જળ, જંગલ, જમીન અને બંધારણીય અધિકારોને લગતા ગંભીર પ્રશ્નો રૂબરૂ રજૂ કરવાની તૈયારી સાથે જઈ રહેલા એડવોકેટ જીમ્મી પટેલ, અખિલ ચૌધરી, પંકજ પટેલ, કુંજનભાઈ ઢોડિયા, જીમ્મી ગામિત, હિતેશ ચૌધરી સહિતના યુવા આગેવાનોને વ્યારા ખાતે તાપી જિલ્લા પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા.
આગેવાનો દ્વારા વડાપ્રધાન સમક્ષ રજૂ કરવાના મુખ્ય પ્રશ્નોમાં જંગલ જમીનના હક અને વર્ષોથી પડતર સનદનો મુદ્દો, સોલાર પ્રોજેક્ટના કારણે થતું જમીન સંપાદન, NTPC ન્યુક્લિયર પ્લાન્ટ સંબંધિત પ્રશ્નો, નેશનલ હાઈવે-56માં જમીન સંપાદન અને યોગ્ય વળતરની સમસ્યા તેમજ GIDC પ્રોજેક્ટમાં આદિવાસીઓની જમીન અને તેમના પરંપરાગત અધિકારોનો મુદ્દો સામેલ છે.
આ તમામ પ્રશ્નો માત્ર કોઈ વ્યક્તિ કે સંગઠન પૂરતા મર્યાદિત નથી, પરંતુ દક્ષિણ ગુજરાતના અનેક આદિવાસી પરિવારોના જીવન, રોજગાર, અસ્તિત્વ અને ભવિષ્ય સાથે જોડાયેલા છે. જમીન ગુમાવનારા પરિવારોને ન્યાય, જંગલ જમીનના હકદારોને અધિકાર અને વિકાસના નામે અસરગ્રસ્ત બનતા આદિવાસીઓને યોગ્ય વળતર તથા પુનર્વસનની વ્યવસ્થા મળે તે અત્યંત જરૂરી છે.
ભારતનું બંધારણ દરેક નાગરિકને પોતાની વાત રજૂ કરવાનો અને લોકશાહી ઢબે વિરોધ વ્યક્ત કરવાનો અધિકાર આપે છે. ત્યારે આદિવાસી સમાજના પ્રશ્નો વડાપ્રધાન સુધી પહોંચાડવા નીકળેલા યુવા આગેવાનોને ડિટેન કરવાની કાર્યવાહી પાછળનું કારણ શું છે? પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જવાબદાર છે, પરંતુ લોકશાહી વ્યવસ્થામાં નાગરિકોના પ્રશ્નો સાંભળવા અને તેમને યોગ્ય મંચ મળે તે સુનિશ્ચિત કરવું પણ એટલું જ મહત્વનું છે. આ ઘટનામાં પોલીસ દ્વારા કયા કાયદાકીય આધાર પર ડિટેન્શન કરવામાં આવ્યું અને આગેવાનોને રજૂઆત કરતાં શા માટે અટકાવવામાં આવ્યા તે અંગે સ્પષ્ટતા થવી જરૂરી છે.
આદિવાસી વિસ્તારોમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટો આગળ વધી રહ્યા છે, પરંતુ વિકાસની પ્રક્રિયામાં સ્થાનિક આદિવાસી પરિવારોના હિતો, જમીનના અધિકારો અને બંધારણીય જોગવાઈઓનું યોગ્ય પાલન થાય છે કે નહીં તે પણ એટલું જ મહત્વનું છે. વિકાસનો અર્થ માત્ર મોટા પ્રોજેક્ટો ઊભા કરવા પૂરતો નથી; વિકાસનો સાચો માપદંડ એ છે કે સ્થાનિક લોકોને ન્યાય, અધિકાર અને સુરક્ષા મળે.ઉલ્લેખનીય છે કે,આગેવાનોના કહેવા મુજબ તેમનો સ્પષ્ટ ઉદ્દેશ કોઈ વ્યક્તિ કે સરકારનો વિરોધ કરવા પૂરતો નહીં, પરંતુ આદિવાસી સમાજના વર્ષોથી પડતર પ્રશ્નોનું બંધારણીય અને લોકશાહી માર્ગે નિરાકરણ લાવવાનો છે.





