ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સુથારપુરા ગામમાં ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધ અને શિક્ષક પ્રત્યેના આદરનું એક અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. સુથારપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા 27 વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ બજાવનાર રીટાબેન કાલિદાસભાઈ ભગત વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં શાળા પરિવાર અને ગ્રામજનોએ તેમને એવી યાદગાર વિદાય આપી કે સમગ્ર પ્રસંગ લાગણી અને ખુશીના રંગે રંગાઈ ગયો હતો.

વર્ષો સુધી બાળકોના જીવનમાં શિક્ષણનો પ્રકાશ પાથરનાર અને અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર રીટાબેન ભગતની નિવૃત્તિને શાળા પરિવારે માત્ર ઔપચારિક વિદાય સુધી મર્યાદિત ન રાખતાં તેને ઉત્સવમાં પરિવર્તિત કરી દીધી હતી. તેમના સન્માનમાં આયોજિત વિદાય સમારોહ દરમિયાન પુષ્પગુચ્છ, સન્માનપત્ર અને શાલ અર્પણ કરી તેમનું ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વિદાય સમારોહનું સૌથી આકર્ષક પાસું નિવૃત્ત શિક્ષિકાની ભવ્ય શોભાયાત્રા રહ્યું હતું.

રીટાબેન ભગતને શણગારેલી ઘોડાબગીમાં બેસાડીને ડીજેના તાલે ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શાળા પરિવાર અને ગ્રામજનોના ઉત્સાહ તથા હર્ષોલ્લાસ વચ્ચે યોજાયેલી આ શોભાયાત્રાએ સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું. એક શિક્ષિકાએ વર્ષો સુધી આપેલી નિઃસ્વાર્થ સેવાના બદલામાં ગામલોકોએ વ્યક્ત કરેલો આ પ્રેમ અને આદર સૌના માટે યાદગાર બની રહ્યો હતો.

આટલું જ નહીં, રીટાબેન ભગતની 27 વર્ષની નિષ્ઠા, સમર્પણ અને શિક્ષણસેવાના સન્માનરૂપે શાળા પરિવાર દ્વારા તેમને એક્ટિવા સ્કૂટર ભેટમાં આપવામાં આવ્યું હતું. આ અનોખી ભેટથી નિવૃત્ત શિક્ષિકા પણ ભાવવિભોર બની ગયાં હતાં. શાળા પરિવારના આ સ્નેહભર્યા અભિગમે વિદાય સમારોહને વધુ વિશેષ બનાવી દીધો હતો. પોતાની કર્મભૂમિ સમાન સુથારપુરા પ્રાથમિક શાળામાંથી 27 વર્ષના લાંબા સેવાકાળ બાદ વિદાય લેતી વખતે રીટાબેન ભગતની આંખોમાં ખુશીની સાથે વિયોગની લાગણી પણ છલકાઈ

તેમણે વર્ષો સુધી સાથ અને સહકાર આપનાર શાળા પરિવાર, સહકર્મીઓ તથા ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ પણ રીટાબેનની શિક્ષણ ક્ષેત્રે આપેલી સેવાઓને યાદ કરી તેમની કામગીરીને બિરદાવી હતી. સામાન્ય રીતે નિવૃત્તિના પ્રસંગે સન્માન સમારોહ યોજાતો હોય છે, પરંતુ સુથારપુરા ગામે શિક્ષિકા પ્રત્યે જે રીતે લાગણી, આદર અને સન્માન વ્યક્ત કરવામાં આવ્યું તે ખરેખર અનુકરણીય બન્યું છે. આ વિદાય સમારોહ એક વાત સાબિત કરી ગયો કે શિક્ષક ભલે નિવૃત્ત થાય, પરંતુ તેમણે વિદ્યાર્થીઓના જીવનમાં પ્રગટાવેલો જ્ઞાનનો દીપ અને સમાજના હૃદયમાં મેળવેલું સ્થાન ક્યારેય નિવૃત્ત થતું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here