નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સુકવાલ ગામે એસટી બસ સ્ટોપની વર્ષો જૂની માંગ ફરી ઉઠી છે. સુકવાલ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી રક્ષાબેન રોહિદાસભાઈ વસાવાએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના ડેડીયાપાડા ડેપો મેનેજરને અલગ-અલગ આવેદનપત્ર પાઠવી ગામમાં તાત્કાલિક બસ સેવા શરૂ કરવાની માંગ કરી છે.

આવેદનપત્રોમાં જણાવાયું છે કે સુકવાલ ગામના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દરરોજ અભ્યાસ માટે બહાર જતા હોવાથી બસની સુવિધાના અભાવે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. મહિલાઓ, વૃદ્ધો અને રોજિંદા મુસાફરોને પણ બસ પકડવા માટે દૂર સુધી જવું પડે છે, જેના કારણે સમય અને સુરક્ષાની સમસ્યાઓ ઊભી થઈ રહી છે.

વિદ્યાર્થીઓ સૌથી વધુ પરેશાન

ગ્રામ પંચાયતના આવેદનપત્રમાં જણાવાયું છે કે ગામના વિદ્યાર્થીઓને શાળા-કોલેજ જવા માટે નિયમિત બસ સેવા અત્યંત જરૂરી છે. હાલ બસ સ્ટોપના અભાવે તેઓને રસ્તા પર લાંબા સમય સુધી ઊભા રહેવું પડે છે, જેના કારણે શિક્ષણ પર પણ અસર પડી રહી હોવાનું રજૂ કરવામાં આવ્યું છે.

તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી રક્ષાબેન રોહિદાસભાઈ વસાવાએ પણ ડેપો મેનેજરને પાઠવેલા પત્રમાં સુકવાલ ગામની વાસ્તવિક પરિસ્થિતિનો ઉલ્લેખ કરી બસ સ્ટોપ મંજૂર કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે ગામના સામાન્ય મુસાફરોને દૈનિક અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે અને તંત્રએ આ પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ.

ગામલોકોની માંગ છે કે સુકવાલ ગામમાં નિયમિત એસટી બસ સ્ટોપ મંજૂર કરી બસોને ઉભી રાખવાની વ્યવસ્થા કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો અને અન્ય મુસાફરોને રાહત મળી શકે.

હવે જોવાનું એ રહ્યું કે ગ્રામ પંચાયત અને સમાજ આગેવાન દ્વારા કરવામાં આવેલી આ બેવડી રજૂઆત બાદ GSRTC તંત્ર સુકવાલ ગામની વર્ષો જૂની માંગ પર ક્યારે નક્કર નિર્ણય લે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here