નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે ડેડીયાપાડા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા પણગામ અને સોલીયા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડનાં કુલ 60 બોક્સ ઝડપી પાડવામાં આવ્યાં છે. આ કાર્યવાહી દરમિયાન દારૂ અને ઇક્કો ગાડી સહિત કુલ રૂ. 8,90,800ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસને મળેલી બાતમીના આધારે ડેડીયાપાડા પોલીસ ઇન્સ્પેક્ટર વાય. એસ. શિરસાઠના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. સોલીયા ગામે રહેણાંક મકાનમાંથી રોયલ બ્લ્યુ માલ્ટ વ્હિસ્કીના 1,920 ક્વાર્ટર, જેની કિંમત રૂ. 3,68,640 થાય છે, તે કબજે કરવામાં આવ્યા હતા.

જ્યારે પણગામ ખાતે ઇક્કો ગાડી નંબર GJ-16-DG-2848માંથી રોયલ બ્લ્યુ માલ્ટ વ્હિસ્કીના 480 ક્વાર્ટર, કિંગફિશર સ્ટ્રોંગ પ્રીમિયમ બીયરના 120 ટીન અને હેવર્ડ્સ 5000 પ્રીમિયમ સ્ટ્રોંગ બીયરના 120 ટીન મળી કુલ રૂ. 1,22,160નો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત રૂ. 4 લાખની ઇક્કો ગાડી પણ કબજે કરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહીમાં દારૂના જથ્થા સાથે વાહન સહિત કુલ રૂ. 8,90,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, દરોડા દરમિયાન ઇક્કો ગાડી મૂકીને ફરાર થઈ ગયેલા આરોપી સહિત ત્રણ વ્યક્તિઓને આ ગુનામાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ત્રણેયને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

દારૂબંધી ધરાવતા ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે પોલીસની આ કાર્યવાહીથી દારૂના ગેરકાયદેસર નેટવર્કમાં સંડોવાયેલા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. હવે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની હેરાફેરીમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે, તે દિશામાં પોલીસની તપાસ મહત્વપૂર્ણ બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here