દેડિયાપાડામાં લગ્નપ્રસંગોમાં વધતી દેખાદેખી, બિનજરૂરી ખર્ચ અને સામાજિક સ્પર્ધા વચ્ચે નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકા માંથી સમાજને નવી દિશા આપતો નિર્ણય સામે આવ્યો છે. કોકમ ગામ બાદ હવે ગાજરગોટા ગામના ગ્રામજનોએ પણ લગ્ન સહિતના શુભ પ્રસંગોમાં બેન્ડ પાર્ટી અને ડીજેનો ઉપયોગ બંધ કરવાનો સામૂહિક નિર્ણય લીધો છે. ગામના વડીલો, યુવાનો અને પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ચર્ચા-વિચારણા બાદ લેવાયેલો આ નિર્ણય સામાજિક સુધારાની દિશામાં મહત્ત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે.
આજના સમયમાં લગ્નપ્રસંગો જાણે પ્રતિષ્ઠા અને દેખાડાની સ્પર્ધા બની રહ્યા છે. એક પરિવાર જેવો ખર્ચ કરે, તેનાથી વધુ ખર્ચ કરવાની હોડમાં અનેક પરિવારો આર્થિક બોજ સહન કરવા મજબૂર બને છે. પ્રસંગની ખુશી કરતાં દેખાડાને વધુ મહત્ત્વ આપવાની આ માનસિકતા સામે ગાજરગોટા ગામના ગ્રામજનોએ સામૂહિક રીતે સાદગીનો માર્ગ પસંદ કર્યો છે.

ગ્રામજનોની સહમતીથી લગ્ન અને અન્ય શુભ પ્રસંગોમાં બેન્ડ પાર્ટી તથા ડીજે નહીં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ લાવવો, સાદગીપૂર્ણ પ્રસંગોને પ્રોત્સાહન આપવું અને સમાજમાં એકતા તથા જવાબદારીની ભાવનાને મજબૂત બનાવવાનો છે.
સમાજમાં લગ્નપ્રસંગો ખુશી, પરંપરા અને પારિવારિક મિલનના અવસર છે. પરંતુ જ્યારે દેખાદેખી માટે આર્થિક ક્ષમતા કરતાં વધુ ખર્ચ કરવામાં આવે છે, ત્યારે તેની અસર સામાન્ય અને આર્થિક રીતે નબળા પરિવારો પર પણ પડે છે. ગાજરગોટા ગામની આ પહેલ આવા બિનજરૂરી ખર્ચ સામે વિચારવાનો સંદેશ આપે છે. સમાજમાં સાચું માન-સન્માન મોંઘા આયોજનથી નહીં, પરંતુ સારા સંસ્કાર, સામાજિક જવાબદારી અને પરસ્પર સહકારથી ઊભું થાય છે.
કોકમ ગામ બાદ ગાજરગોટા ગામે પણ આ દિશામાં નિર્ણય લેતાં હવે અન્ય ગામોમાં પણ આવી પહેલ થાય તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે. જો ગામેગામ સમાજના વડીલો અને યુવાનો સાથે મળીને બિનજરૂરી ખર્ચ ઘટાડવા માટે સંકલ્પ કરે, તો પરિવારો પરનો આર્થિક બોજ હળવો થઈ શકે અને સાદગીપૂર્ણ લગ્ન પ્રસંગોની પરંપરાને પ્રોત્સાહન મળી શકે.
ગાજરગોટા ગામનો આ નિર્ણય માત્ર બેન્ડ-ડીજે બંધ કરવા પૂરતો સીમિત નથી; તે દેખાદેખીની માનસિકતા છોડીને સાદગી, સંસ્કાર અને સામાજિક એકતાને અપનાવવાનો સંદેશ આપે છે. હવે જોવાનું એ રહેશે કે અન્ય ગામો પણ આ પહેલમાંથી પ્રેરણા લઈને સમાજહિતમાં આવા સામૂહિક નિર્ણયો લે છે કે નહીં.





