ભરૂચ જિલ્લાની એક સમયે શાન ગણાતા કબીરવડ ખાતે છેલ્લા 7 વર્ષથી વધુ સમયથી પ્રવાસીઓ ઘટી રહ્યાં છે. આવી સ્થિતિમાં મંગલેશ્વરથી કબીરવડ સુધી પ્રવાસીઓનું બંને તરફ વહન કરતી હોડી સેવા બંધ થઈ ગઈ છે.
હોડીઘાટનું જ્યાંથી સંચાલન કરવામાં આવે છે, તે જગ્યા ગ્રામ પંચાયતની માલિકીની હોવાનું જણાવી સરપંચે ઘાટ તરફ જતો રસ્તો બંધ કરી દીધો છે. રસ્તો બંધ થતાં કબીરવડ સુધીની બોટ સેવાને સ્થગિત કરવાની ફરજ પડી છે. આ વિવાદના કેન્દ્રમાં જમીનની માલિકી, સંચાલન અધિકાર, તેમાંથી થતી આવક છે.

જિલ્લા પંચાયત તરફથી અંદાજે ₹ 44 લાખની કિંમતે રાહુલ માછીને આ હોડી ઘાટનું સંચાલન સોંપવામાં આવ્યું હતું. તે છેલ્લા દોઢ વર્ષથી સુચારુ રીતે ચાલતું હતું. હોડી ઘાટ તરફ જવા માટે જે માર્ગ અને જમીનનો ઉપયોગ થાય છે, તે સર્વે નંબર 851 અને 852ની જમીન મંગલેશ્વર ગ્રામ પંચાયત પોતાની હોવાનો દાવો કરે છે.
પંચાયતની માંગ છે કે આ જમીનનો કબજો અને ઘાટનું સંચાલન તેમને સોંપાય. જેથી ઘાટની આવકનો ઉપયોગ ગામના વિકાસ કામોમાં થઈ શકે.
નર્મદા નદીના કિનારે આવેલું કબીરવડ પ્રવાસીઓ માટે મનોરંજનની સાથે ધાર્મિક સ્થળ પણ છે. સાત વર્ષ પહેલાં કબીરવડ અને મંગલેશ્વર ઘાટ પાસે નદીનું છીછરું પાણી પ્રવાસીઓને આકર્ષતું હતું. હવે રેતી ખનનના કારણે નદીમાં ઊંડા ખાડાઓ પડી ગયા છે. લોકો ડૂબી રહ્યાં હોવાથી હવે કબીરવડ ખાતે આવતાં સહેલાણીઓ ઘટી રહ્યાં છે.
મંગલેશ્વરનો હોડીઘાટ ગ્રામ પંચાયતનીમાલિકીની જગ્યામાં હોવાથી કાર્યવાહી
હોડી ઘાટનું સંચાલન થઈ રહ્યું છે, તે સર્વે નંબર 851 અને 852ની જમીન ગ્રામ પંચાયતની માલિકીની છે. પંચાયતની માલિકીની જમીન પર બહારની વ્યક્તિ કેવી રીતે વ્યવસાય કરી શકે? અમારી માંગ એટલી જ છે કે આ જમીનનો કબજો પંચાયતને પરત મળે. જો હોડી ઘાટનું સંચાલન ગ્રામ પંચાયત હસ્તક કરવામાં આવે તો તેનાથી થતી આવક સીધી ગામના વિકાસ કાર્યોમાં વાપરી શકાય. અમે પ્રવાસીઓની સુરક્ષા ઈચ્છીએ છીએ. અમારા હક માટે અમે હોડી ઘાટ તરફનો માર્ગ બંધ કર્યો છે. તંત્ર યોગ્ય નિર્ણય ન લે ત્યાં સુધી આ સ્થિતિ યથાવત રહેશે. પંકજ વસાવા, સરપંચ, મંગલેશ્વર
સહેલાણીઓ નહીં આવવાના કારણે સ્થાનિકનાના વેપારીઓને રોજગારી પર અસર પડશે
નર્મદા નદીના સામા કિનારે જવા, કબીરવડથી પરત આવવા, બંને તરફની મુસાફરીનો ટિકિટ દર સંયુક્ત રીતે વસૂલવામાં આવે છે. આ દર રૂા. 85થી લઈને રૂા. 100 સુધીનો હોય છે. મંગલેશ્વરથી કબીરવડ જવા માટે બોટમાં બેસવું પડે છે. કબીરવડથી પરત મંગલેશ્વર આવવા માટે પણ બોટમાં બેસવું પડે છે. બોટ સેવા બંધ થવાથી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થશે. તેની સીધી અસર કબીરવડ અને મંગલેશ્વર કિનારે નાની-મોટી દુકાનો, ખાણી-પીણીની લારીઓ, પૂજાપો વેચતા સ્થાનિક ગરીબ પરિવારોની રોજીરોટી પર પડશે. પ્રવાસીઓ ઘટતાં તેઓ સંકટમાં મૂકાઈ રહ્યા છે.
માત્ર એક ચિઠ્ઠી આપીને હોડી ઘાટ તરફજતો રસ્તો બંધ કરી દેવો અયોગ્ય છે અમે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યાં નથી.
જિલ્લા પંચાયત તરફથી નિયત કાયદાકીય પ્રક્રિયા કરીને અમને આ હોડી ઘાટની સત્તાવાર ફાળવણી કરવામાં આવી છે. આ માટે અમે સરકારમાં નિયત રકમ પણ જમા કરાવી છે. દોઢ વર્ષથી અમે પ્રવાસીઓને સુરક્ષિત સેવા આપી રહ્યા છીએ. આમ છતાં ગ્રામ પંચાયતે અમને કોઈ પણ પૂર્વ નોટિસ આપ્યા વિના માત્ર એક લેખિત ચિઠ્ઠી આપીને હોડી ઘાટ તરફનો રસ્તો દાદાગીરીથી બંધ કરી દીધો છે. આનાથી અમને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું હોવાનું કમલેશ માછી, (હોડીઘાટ સંચાલક) જણાવી રહ્યા છે.





