ભરૂચ જિલ્લામાં દીપડાની દહેશત વચ્ચે ઝઘડિયાના સંજાલી ગામે બકરા ચરાવવા ગયેલી 11 વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કરતાં ચકચાર મચી છે. ઘટનાને પગલે ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.

આ ઘટનાના બીજા જ દિવસે ભરૂચ શહેરના જૂના ભરૂચ વિસ્તારમાં નર્મદા નદી કિનારે આવેલા ભાગકોટ ઓવારા અને ઝુલેલાલ મંદિર નજીક રાત્રિના આશરે 1:30 વાગ્યે દીપડો દેખાયો હોવાની માહિતી સામે આવી હતી. શહેરના રહેણાંક વિસ્તાર નવચોકીના કોટ નજીક દીપડાની હાજરીથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.દીપડો બેઠેલો જોતા જ સ્થાનિકોએ દહેશતથી મોડી રાત સુધી ઉજાગરો કર્વાનો વારો આવ્યો હતો. જો કે મોડી રાતે દીપડો જાતે જ નદી તરફ જતો રહેતા સૌએ રાહતનો શ્વાશ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે ભરૂચ તાલુકાની પૂર્વપટ્ટીના શુકલતીર્થ, નિકોરા અને તવરા સહિતના ગામોમાં અગાઉ પણ દીપડો દેખાવાની ઘટનાઓ બની છે અને વન વિભાગે દીપડા પકડ્યા પણ છે. હવે બાળકી પર હુમલા બાદ જૂના ભરૂચના શહેરી વિસ્તારમાં પણ દીપડો દેખાતા લોકોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે.આ અંગે વનવિભાગ પાંજરૂ ગોઠવી દીપડાને પાંજરે પુરે તેવી માંગ પણ ઉઠવા પામી છે.





