દેશભરમાં ચૂંટણી પંચ અને SIR ની પ્રક્રિયાને લઈને કોંગ્રેસ દ્વારા ફેલાવવામાં આવી રહેલાં ભ્રામક પ્રચાર સામે ભારતીય જનતા પાર્ટીએ ભરૂચ ખાતે પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસના કાવતરાને ઉઘાડું પાડ્યું હતું.

ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ પરેશ લાડ, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી, નરેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પત્રકાર પરિષદ સંબોધી હતી.

SIR મુદ્દે આંદોલન અને ભ્રામક પ્રચાર કરી રહેલી કોંગ્રેસ ચૂંટણી પંચના ત્રણેય કમિશનરની સંયુક્ત પત્રકાર પરિષદ બાદ ઉઘાડી પડી ગઈ હોવાનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને તેમના બે સાથી કમિશનરોએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસના જૂઠ્ઠાણાનો પર્દાફાશ કરી દીધો છે.

SIR ની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શી છે, તેમજ ફોર્મ નંબર 6 ના મૂળ સ્વરૂપમાં કોઈ જ સુધારો કે બદલાવ કરાયો નથી. કમિશનરોની સ્પષ્ટતા બાદ કોંગ્રેસ દ્વારા ઉભા કરવામાં આવેલા ફેક નેરેટિવનો છેદ ઉડી ગયો છે.

પત્રકારોને માહિતી આપતા વધુમાં ભરૂચના ધારાસભ્યએ કહ્યું હતું કે, એક પછી એક રાજ્યની ચૂંટણીઓમાં જનતા દ્વારા મળેલા પરાજયથી રાહુલ ગાંધી, કોંગ્રેસ અને સમગ્ર વિપક્ષ રઘવાયો થયો છે. જ્યારે પણ કોંગ્રેસ હારે છે ત્યારે તે EVM, SIR અને હવે બંધારણીય સંસ્થાઓ પર દોષનો ટોપલો ઢોળીને દેશની જનતાને ભ્રમિત કરવાનો પ્રયાસ કરે છે. કોંગ્રેસ ભારતની લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયા પર શંકા ઊભી કરીને વૈશ્વિક સ્તરે દેશને બદનામ કરવાનો નિમ્ન પ્રયાસ કરી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા અને જનસમર્થન સતત વધી રહ્યું છે. તળિયા વગરના આક્ષેપો કરીને લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ કરી રહેલી કોંગ્રેસ હવે રાજકીય હાસ્યાસ્પદ સ્થિતિમાં ધકેલાઈ ગઈ છે અને દેશની જનતાનો વિશ્વાસ પણ ગુમાવી ચૂકી છે.

પત્રકાર પરિષદના અંતે જિલ્લા ભાજપ વતી ધારાસભ્યે, ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરી હતી કે, તેઓ કોંગ્રેસના આ ખોટા અને ભ્રામક પ્રચારમાં ન આવે. એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે ભાજપ ચૂંટણી પંચ જેવી સ્વાયત્ત સંસ્થાઓ અને લોકશાહીના રક્ષણ માટે હંમેશા જનતા સમક્ષ સત્ય ઉજાગર કરતું રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here