વાગરા નગરના ચીમન ચોક વિસ્તારમાં આવેલી સાવરિયા જનરલ સ્ટોર સામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાનો ગંભીર મામલો હવે વધુ ગરમાયો છે. સ્ટોરમાંથી ખરીદેલા ગાંઠિયાના પેકેટ પરથી એક્સપાયરી ડેટનો સ્ટિકર કાઢી નાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ થતાં સમગ્ર તાલુકામાં ચકચાર મચી ગઈ છે. આ ગાંઠિયા ખાધા બાદ 4 વર્ષીય બાળકને અચાનક સતત ઉલ્ટીઓ શરૂ થતાં હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. ઘટનાના 48 કલાક બાદ પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરીને લઈને ગંભીર સવાલો ઉભા થયા હતા. અને ફરિયાદ સીધી જિલ્લા કલેક્ટર સુધી પહોંચી છે. વાંતા વિસ્તારના રહેવાસી શાહરુખ સલીમ શેખના જણાવ્યા મુજબ, 22 સપ્ટેમ્બરના રોજ સાવરિયા જનરલ સ્ટોરમાંથી ખરીદેલા ગાંઠિયાના પેકેટમાંથી દુર્ગંધ આવતી હતી. બાળકે ગાંઠિયા ખાતા જ તેની તબિયત લથડી ગઈ હતી. પરિવારજનોએ પેકેટ તપાસતાં એક્સપાયરી ડેટનો સ્ટિકર કાઢી નાખવામાં આવ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતુ. દુકાનદારને પૂછતાં ભૂલથી આપી દીધું હશે તેમ કહીને વાત ટાળવાનો પ્રયાસ થયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.

મામલો વધુ ગંભીર બનતાં પરિવારજનોએ 112 ઇમરજન્સી સેવા પર ફોન કર્યો હતો. પોલીસ સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ કરી અને ફૂડ વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ વાગરા મામલતદારની ટીમ, રેવન્યુ તલાટી સહિતના અધિકારીઓ દુકાને પહોંચ્યા અને તપાસ બાદ ફૂડ વિભાગની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી દુકાન બંધ રાખવાનો આદેશ કર્યો હતો. પરંતુ સૌથી મોટો વિવાદ અહીંથી શરૂ થયો. ફરિયાદીનો દાવો છે કે ફૂડ વિભાગના અધિકારીઓ દુકાને આવ્યા છતાં જે ગાંઠિયાના પેકેટથી બાળક બીમાર પડ્યું તે પેકેટના સેમ્પલ લેવામાં આવ્યા જ નહીં. ફરિયાદીને પણ તપાસ દરમિયાન બોલાવવામાં આવ્યો નહીં. જે પુરાવો મારી પાસે હતો તેની તપાસ કેમ ન થઈ? સેમ્પલ લેબમાં મોકલાયા કે નહીં? વેપારી સામે શું કાર્યવાહી થઈ? જેવા સવાલો હવે ખુલ્લેઆમ ઉઠી રહ્યા છે. દુકાનના સંચાલક સુરેશભાઈ કુમાવતએ પોતાનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું હતું કે, એક્સપાયરી માલ અલગ રાખેલો હતો. અને તેઓ દુકાન પર હાજર ન હતા. તેમના જણાવ્યા મુજબ, કર્મચારી દ્વારા ભૂલથી તે પેકેટ વેચાઈ ગયું હશે. તેમણે આવી ભૂલ ફરી નહીં થાય તેવી ખાતરી આપી માફી પણ માંગી હતી.

ફરિયાદીનું કહેવું છે કે, સાવરિયા જનરલ સ્ટોરમાંથી વાગરા તાલુકાના અનેક નાના-મોટા વેપારીઓ હોલસેલમાં ખાદ્ય સામાન ખરીદે છે. જો ખરેખર એક્સપાયરી માલ વેચાતો હોય તો આ માત્ર એક પરિવારનો નહીં પરંતુ સમગ્ર તાલુકાના ગ્રાહકોના આરોગ્યનો પ્રશ્ન બની શકે છે. તેથી તપાસ માત્ર કાગળો પૂરતી નહીં રહે, પરંતુ દોષિત સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી છે. હવે જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિત ફરિયાદ પહોંચતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. ફરિયાદમાં જવાબદાર વેપારી સામે કડક કાર્યવાહી, તપાસનો અહેવાલ જાહેર કરવા અને જરૂર પડે તો પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ખરેખર દોષિત સામે કડક કાર્યવાહી કરે છે કે, પછી લોકોના આરોગ્ય સાથે થયેલો આ ગંભીર ખેલ ફરી એકવાર ફાઈલોમાં દબાઈ જશે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here