ભરૂચ તાલુકાના સિંધોત ગામે આવેલી પ્રાથમિક મિશ્રશાળાના શિક્ષકોના અંદરોઅંદરના ઝઘડા અને વિવાદોથી ત્રાસીને આખરે ગામના લોકોએ તહેવારના દિવસે પણ મજબૂર થઈને શાળાનો ઘેરાવો કરવાની ફરજ પડી હતી.શિક્ષકોની અંદરની લડાઈને કારણે માસૂમ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે.
​ધોરણ ૧ થી ૮ સુધીની આ શાળામાં અગાઉ ૨૫૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, પરંતુ છેલ્લા દોઢ વર્ષમાં શિક્ષકોના ઝઘડાથી કંટાળીને વાલીઓએ બાળકોને શાળામાંથી ઉઠાડી લીધા છે. હાલમાં માત્ર ૭૮ વિદ્યાર્થીઓ જ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે બાકીના વિદ્યાર્થીઓ બાજુના ગામોમાં ભણવા જવા મજબૂર બન્યા છે.

​૧૫૦૦ થી વધુ વસ્તી ધરાવતા આ ગામની શાળામાં માત્ર ૫ જેટલા શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે, પરંતુ તેમની વચ્ચેના સતત કચવાટ અને અંદર-અંદરના ઝઘડાના કારણે શૈક્ષણિક વાતાવરણ ડહોળાયુ છે.ગ્રામ પંચાયતના સરપંચ, વોર્ડ સભ્યો અને ગ્રામજનો દ્વારા અગાઉ અનેકવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં આજદિન સુધી આંતરિક વિવાદનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી.

​મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કરતા ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આગામી ૫ ઓક્ટોબર સુધી વર્તમાન તમામ શિક્ષકોની અન્યત્ર બદલી કરવામાં આવે અને નવા શિક્ષકોની નિમણૂક કરવામાં આવે. જો નિર્ધારિત સમયમાં આ મામલે યોગ્ય નિકાલ નહીં આવે, તો ગ્રામજનો દ્વારા ઉગ્ર પગલાં રૂપે શાળાને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે યોગ્ય તપાસ કરી કોઈ નક્કર પગલાં લેવામાં આવે તેવું વાલીઓ અને ગ્રામજનો ઇચ્છી રહ્યા છે, જેથી બાળકોનું બગડતું શિક્ષણ બચી શકે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here