The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 5

શુક્લતીર્થ ખાતે 2 દિવસીય શુક્લતીર્થ ઉત્સવ–2025 યોજાયો

ભરૂચ તાલુકાના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ શુક્લતીર્થ ખાતે 2 દિવસીય શુક્લતીર્થ ઉત્સવ–2025નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ નૃત્યકૃતિઓ સહિત સંગીતની સૂરાવલીએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર-ભરૂચ દ્વારા આયોજીત 2 દિવસીય શુક્લતીર્થ ઉત્સવ-2025નો ગત તા. 12 ફેબ્રુઆરીએ શુભારંભ કરવામાં આવ્યો હતો.


આ ઉત્સવની શરૂઆત ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા સહિત અન્ય મહાનુભાવોના વરદ્હસ્તે દિપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી. કાર્યક્રમની પ્રથમ સંધ્યાએ ગુજરાતના વિવિધ કલાવૃંદો દ્વારા આદિવાસી લોકનૃત્ય, ગરબા, ભક્તિ સંગીત, થીમ ડાન્સ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.

પ્રકૃતિ નિર્માણ અને વિનાશના સમન્વયથી નિરૂપિત ત્વિષા વ્યાસના ગૃપ દ્વારા શિવ તાંડવ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદેશની ધરતી સુઘી પ્રખ્યાત એવા સિદ્દી ધમાલ નૃત્ય, નવરંગ ગરબા ગૃપ દ્વારા પ્રાચીન ગરબો અને ભારતભરમાં અનેરી છાપ છોડનારું આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતું રાધિકા આદિવાસી લોકનૃત્ય, કલા મંડળ-ચીંચલી દ્વારા પાવરી નૃત્યએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.ગુજરાત સહિત ભરૂચની યશ કલગીમાં મોરપીંછ સમાન ટોલીવુડથી બોલિવુડ સુધી પોતાના સૂરોથી ખ્યાતી પ્રાપ્ત કરનાર પ્લે-બેક સિંગર હિમાલી વ્યાસ અને તેમના કલાવૃંદે લોકસંગીતની જમાવટ કરી જિલ્લાની જનતાને અનેરા આનંદની પ્રતીતિ કરાવી હતી. આ ઉત્સવમાં વિવિધ સખી મંડળ દ્વારા વેચાણ માટે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે, તથા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા મેડીકલ ચેકઅપ કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે અધિક નિવાસી જિલ્લા કલેકટર એન.આર.ધાંધલ, પ્રાંત અધિકારી મનીષા મનાણી, શુક્લતીર્થ ગામના સરપંચ સહિત વરિષ્ઠ અધિકારી તથા જિલ્લા અગ્રણીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ નજીક અકસ્માતમાં ભરૂચના ત્રાલસા કોઠીના ત્રણ યુવાનોના દર્દનાક મોત

દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ નજીક આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં ભરૂચ જિલ્લાના ત્રાલસા કોઠી ગામના ત્રણ યુવાનોના દર્દનાક મોત નિપજ્યા છે. મૃતક યુવાનોની ઓળખ શહેજાદ ભાગ્યશાલી, સુફિયાન ભાગ્યશાલી અને મુસ્તકીમ દેસાઈ તરીકે થઈ છે.
મળતી માહિતી મુજબ, આ ત્રણેય યુવાનો રોજગારી અર્થે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા. આજે સવારે તેઓ પોતાના કામ માટે વાહનમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વાહનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ભયાનક જ્વાળાઓમાં ત્રણેય યુવાનો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
ભરૂચ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશમાં રોજગારી અર્થે જાય છે. આ ત્રણેય યુવાનો પણ પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. આ અકસ્માતના સમાચાર ગામમાં પહોંચતા જ મૃતકોના પરિવારજનો પર આભ તૂટી પડવા સાથે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયેલો છે.

દિલ્હી ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત,ભરૂચના કાર્યકરોએ ફટાકડા ફોડી મનાવ્યો વિજયોત્સવ

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રંચડ વિજય થતાં ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી વિજયોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મળેલા કારમા પરાજયના કારણે ભરૂચ જિલ્લા ભાજપના આગેવાનો સહિત કાર્યકરોમાં નવો જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાર્ટીના નેતાઓનું માનવું છે કે, જે રીતે દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટીને નકારી છે, તે જ રીતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ AAPના ધારાસભ્યોને મતદારો નકારશે. દિલ્હીના પરિણામોએ સ્થાનિક નેતૃત્વને વધુ મજબૂત બનાવ્યું છે, અને આગામી ચૂંટણીઓ માટે પાર્ટીની રણનીતિને વેગ આપ્યો છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રંચડ વિજય થતાં ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી વિજયોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે માં નર્મદાજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરાયા

મહાસુદ સાતમને તારીખ 4 થી ફેબ્રુઆરીએ પાવન સલીલા માં નર્મદાજીના જન્મોત્સવ ની ભરૂચ શહેર અને જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેરના ઉપસ્થિત હોદેદારો તેમજ સભ્યોએ શ્રી નર્મદાષ્ટકમ ના ઉચ્ચારણ સાથે માં નર્મદાજી ની પ્રતિમાને ફુલહાર કરી અને પુષ્પો અર્પણ કર્યા હતા.


આ પ્રંસગે શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષભાઇ દવે, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ સહિત સભ્યો સાથે
નર્મદા ચેનલના ડિરેક્ટર નરેશભાઈ ઠક્કર વિશેષ ઉપપસ્થિત રહ્યા હતા.

દહેજમાં 2 અલગ અલગ સ્થળોએ ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગના બે મોટા રેકેટનો પર્દાફાશ

ભરૂચ એસઓજી પોલીસે જિલ્લામાં ગેરકાયદેસર ચાલતા ગેસ રીફિલિંગના બે મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બે અલગ-અલગ સ્થળેથી કુલ રૂ. 69,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રથમ કેસમાં, દહેજ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના જાગેશ્વર ગામમાં આવેલી ‘શ્રી દેવ સ્ટીલ સેન્ટર’માંથી લહેરૂ ગોરધભાઈ ગુજ્જર અને તેના સાગરીત શાંતિલાલ ઉર્ફે ગોવર્ધન ભુરાલાલ ગુજ્જરની ધરપકડ કરવામાં આવી. આ સ્થળેથી ઈન્ડિયન કંપનીની 19 કિલોની 7 બોટલો, 6 કિલોની 8 બોટલો, વિવિધ પ્રાઈવેટ કંપનીની 5 કિલોની 28 બોટલો, અંબે કંપનીની એક બોટલ સહિત રીફિલિંગ પાઈપ અને ઈલેક્ટ્રિક વજન કાંટો મળી કુલ રૂ. 49,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.
બીજા કેસમાં, જોલવા ગામે મિલેનિયમ માર્કેટ પાસે આવેલી આરાધ્ય ગેસ સર્વિસમાંથી શશી જદુ કેવટની ધરપકડ કરવામાં આવી. અહીંથી ઈન્ડેન, ભારત અને રિલાયન્સ કંપનીની વિવિધ ક્ષમતાની ગેસ બોટલો, રીફિલિંગ પાઈપ અને ઈલેક્ટ્રોનિક વજન કાંટો મળી કુલ રૂ. 19,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. બંને કેસમાં આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી એસઓજી ટીમે એટીએસ ચાર્ટર મુજબ કરી હતી.

ભરૂચ ન.પા. દ્વારા મનુબર ગામ નજીક ડમ્પિંગ સાઈટ માટે ખોદકામ કરાતા વિરોધ, ચીફ ઓફિસરે ભાગવુ પડ્યું

ભરૂચ નગર સેવા સદન દ્વારા મનુબર ગામ નજીક ડમ્પિંગ સાઈટ માટે ખોદકામ કરાતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ ઘેરાવો કરતાં ચીફ ઓફિસર સહિતના કર્મચારીઓએ સ્થળ છોડી ભાગવું પડ્યું હતું
ભરૂચ નગર સેવાસદન માટે ડમ્પિંગ સાઈટનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બની રહ્યો છે.થામ ગામ નજીક સ્થાનિકોએ વિરોધ નોંધાવી ડમ્પિંગ સાઇટ બંધ કરાવ્યા બાદ ભરૂચ નગર સેવા સદન દ્વારા મનુબર ગામ નજીક બૌડા હસ્તકના ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ સાઈટ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું.

ત્યારે સ્થાનિકો દ્વારા આ કામગીરીનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.સ્થાનિકોએ ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિત કર્મચારીઓનો ઘેરાવો કર્યો હતો અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જેના પગલે ચીફ ઓફિસર અને કર્મચારીઓએ સ્થળ છોડી ભાગી જવું પડ્યું હતું.આ અંગે સ્થાનિકોના જણાવ્યા અનુસાર નગર સેવા સદન દ્વારા સમગ્ર શહેરનો કચરો આ સ્થળે એકત્રિત કરવામાં આવશે અને અહીંથી આ કચરાને અંકલેશ્વર ડમ્પિંગ સાઈટ ખાતે લઈ જવામાં આવશે. રહેણાંક વિસ્તાર નજીક જ આ પ્રકારની કામગીરી કરાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો આ જગ્યા ફાયર સ્ટેશન માટે ફાળવવામાં આવી છે ત્યારે તેના પર ડમ્પીંગ સાઈટ ન બનાવવામાં આવે તેવી સ્થાનિક નગરસેવકો અને આગેવાનોએ માંગ કરી છે.

ઝઘડિયાના કદવાલી ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો, જ્યારે 2 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક કદવાલી ગામના બસ સ્ટેન્ડ પાસે ચા-નાસ્તાની દુકાનની પાછળના ભાગે વેચાણ માટે સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો. રાજપારડી પીઆઇ એચ.બી.ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, કદવાલી ગામનો વિશાલ વસાવા કદવાલીના બસ સ્ટેન્ડ નજીક ચા-નાસ્તાની દુકાનના પાછળના ભાગે ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખી વેચાણ કરે છે.
પોલીસે બાતમી મુજબના સ્થળે રેઇડ કરીને તપાસ કરતા દુકાનની પાછળના ભાગે ઝાડીઓમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો રૂ. 49,048/-ની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો તેમજ 1 મોબાઇલ મળીને કુલ રૂ. 54,048/-નો મુદ્દામાલ જપ્ત કરી સ્થળ પર હાજર ઇસમ અજય વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે આ ગુના હેઠળ અજય વસાવા તેમજ અન્ય ઇસમ વિશાલ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

દહેજના ન્યુ વાડિયા ગામે પરપ્રાંતીય કામદારની હત્યા

ભરૂચના દહેજના ન્યુ વાડિયા ગામે અંગત અદાવતે પર પ્રાંતીય કામદારની બેટના ફટકા મારી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચના દહેજમાં કંપનીમાં કામ કરતા કામદારોની વસાહતમાં હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે.

આ અંગેની મળતી વિગતો અનુસાર દહેજના ન્યુ વાડીયા ગામે કુલદીપ હાઉસમાં રહેતા અને મૂળ બિહારના પરમેશ્વર રામપ્રવેશ અને રાકેશસિંહ દયાલ નામના કામદારો વચ્ચે અંગત અદાવતે બોલાચાલી થઈ હતી.
જેમાં ઉશ્કેરાયેલા પરમેશ્વર રામપ્રવેશ નામના વ્યક્તિએ મૃતક રાકેશસિંહ દયાળ પર ક્રિકેટ રમવાના બેટ વડે હુમલો કર્યો હતો જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત તથા તેને અન્ય સાથી કામદારો દ્વારા ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મત નિપજ્યું હતું. ત્યારબાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવ સંદર્ભે દહેજ પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી ફરાર આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

જંબુસર પોલીસના તલાવપુરા વિસ્તારમાં ચાલતા જુગાર પર દરોડા

ભરૂચના જંબુસર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીઆઈ એ.વી.પાણમીયા અને પીએસઆઈ પી.એન. વલવીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે તલાવપુરા વિસ્તારમાં તલાવના કિનારે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે.પોલીસે રેઇડ કરીને તોસીફ ઉર્ફે ભગત કાલુભાઈ શેખ, ઈર્ષાદબેગ આબેદબેગ મિર્ઝા, ફૈજુલ ગુલામ મલેક, રવીદાસ સુકાભાઈ વાઘેલા, જાવીદ અબ્દુલ હફીજ મલેક, સલમાન ઉર્ફે જુઠ્ઠી ઈસ્માઈલ પટેલ અને ઈકરમ સિકંદર મલેકને ઝડપી પાડ્યા હતા.જ્યારે સાજીદ ઉર્ફે અંદો મહમંદ શેખ ફરાર થઈ ગયો હતો, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 14,430, પાંચ મોબાઈલ ફોન કિંમત રૂ. 20,500, બે મોટરસાઈકલ કિંમત રૂ. 1,20,000 અને જુગાર રમવાના સાધનો મળી કુલ રૂ.1,54,930નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, જેના કારણે વિસ્તારના જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે.

ભરૂચ પાલિકાના રોજમદારનું ફરજ પર મોત,વિપક્ષને સાથે રાખી પરિજનોએ કરી સહાયની માંગ.

ભરૂચ નગરપાલિકાના વોટર વર્કસના રોજમદાર કર્મચારી શંભુ વસાવા શહેરના સોનેરી મહેલ પાણીની ટાંકી ખાતે ફરજ પર હતા. જોકે, તેઓની તબિયત બગડતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. શંભુ વસાવા છેલ્લા 25 વર્ષથી રોજમદાર તરીકે પાલિકામાં ફરજ બજાવતા હતા.તેઓને સારવાર માટે લઇ જવામાં આવતા પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
જોકે, તે બાદ તેમના પરિવારને સાંત્વના પાઠવવા કે, સહાય માટે કોઈપણ નહીં ફરકતા આદિવાસી સમાજમાં નારાજગી સાથે રોષ જોવા મળ્યો છે.તો બીજી તરફ, મૃતકના પુત્ર રાહુલ વસાવાએ તેના પિતાને અકસ્માત બાદ બ્રેઈન હેમરેજ હોવા અંગે રજૂઆત કરી હતી, પણ તેમની બદલી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ કરી પરિવારની કોઈ ખબર પણ પૂછવામાં આવી ન હોવાનું જણાવ્યુ હતું. પરિવારના મોભીનું મોત નિપજતા મૃતકના પુત્ર અને પરિવારજનોએ અગાઉ પણ પાલિકા પાસે સહાયની માંગ કરી હતી.
જોકે, આજદિન સુધી પરિવારને સહાય નહીં મળતા મૃતકના પરિવારજનોએ પાલિકા વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ, સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા સહિતના આગેવાનોને સાથે રાખી પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ તેમજ ચીફ ઓફિસર હરેશ અગ્રવાલને આર્થિક સહાય અંગે ઉગ્ર રજૂઆત કરી હતી.

error: Content is protected !!