The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 129

લોકસભાના સ્પીકર ઓમ બિરલાનો સન્માન સમારોહ યોજાયો

લોકસભાના સ્પીકર ઓમ બિરલાનું શહેરની વિવિધ સામાજિક, ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ, ઔદ્યોગિક એસોસિયેશનો, સમાજ સંગઠનો દ્વારા સન્માન કરાયું હતું.

ધ ગ્રાન્ટ ભગવતી હોટલ ખાતે આયોજિત સન્માન સમારોહ પ્રસંગે ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, વિશ્વના ઝડપથી વિકસી રહેલા વિકાસ અગ્રેસર શહેરોમાં સુરત શહેરનો સમાવેશ થાય છે. ગુજરાતની સંસ્કૃતિ અને ઈતિહાસ સૌને પ્રેરણા આપનાર રહ્યો છે. સૂરતે સામાજિક અને આર્થિક રીતે વિકાસના નવા કિર્તીમાન સ્થાપિત કર્યા છે.

ઓમ બિરલાએ કહ્યું કે, આદરણીય મહાત્મા ગાંધીજી અને લોખંડી પુરૂષ સરદાર પટેલ સાહેબની ભૂમિ ગુજરાતે હંમેશા દેશને નવી દિશા આપી છે. ગાંધીજીએ સત્ય અને અહિંસાના શસ્ત્રો સાથે દેશને આઝાદ કરવા માટે લડત ચલાવી હતી. દુનિયા મહત્તમ  દેશોમાં વસેલા ગુજરાતીઓએ વૈશ્વિક ફલક પર અમીટ છાપ ઉભી કરી છે. ગુજરાતીઓએ જ્યાં જ્યાં વસવાટ કર્યો છે તે દેશના આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્વનુ યોગદાન આપ્યું છે. યુગપુરૂષોની ભૂમિ ગુજરાતમાં આવું છું, ત્યારે મને અહીંથી નવી ઉર્જા અને લોકસેવાની નવી પ્રેરણા મળે છે એમ અહોભાવથી જણાવ્યું હતું.

બિરલાએ વધુમાં જણાવ્યું કે, ભારત દેશ પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દરેક ક્ષેત્રે વિકાસ કરી રહ્યો છે. સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે દેશને આઝાદ કરવા માટે મહામૂલુ બલિદાન આપનારાઓને યાદ કરવાનો મહોત્સવ છે. સૌ કોઈને સમર્પણભાવના સાથે દેશને નવી ઉંચાઈએ લઈ જવાનો અનુરોધ કર્યો હતો.

કેન્દ્રીય રેલ્વે રાજયમંત્રી દર્શનાબહેન જરદોશે જણાવ્યું હતું કે, સુરત એ સમગ્ર ભારતમાં મિની ભારત તરીકે ઓળખાય છે. સમગ્ર ભારતમાંથી આવેલા લોકોએ પોતાની કર્મભૂમિ બનાવી શહેરના વિકાસમાં સિંહફાળો આપ્યો છે એમ જણાવી લોકસભાના સ્પીકરશ્રી ઓમ બિરલાને ગરવી ગુજરાત અને સુરતની ભૂમિ પર આવકાર્યા હતા.

આ અવસરે શહેરના અગ્રવાલ સમાજ, સિંધી સમાજ, રાજપૂત સમાજ, રાજસ્થાન જૈન સમાજ, શ્રી સાલાસર હનુમાન સેવા, રાજસ્થાન જૈન સેવા, રાજસ્થાન જૈન સમિતિ, રાજસ્થાન સેવા ફાઉન્ડેશન, દધિચ બ્રાહ્મણ સમાજ, ડાયમંડ એસોસિયેશ તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, વિવેક પટેલ, ઝંખનાબેન પટેલ, વી.ડી. ઝાલાવાડીયા, સુરત શહેર સંગઠન પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, વીર નર્મદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષભાઈ ગુજરાતી, વ્યાપારીઓ અને સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા.

જૂની પેન્સન યોજનાની માંગ સાથે ભરૂચ જિલ્લા કર્મચારી સંયુક્ત મોરચાએ યોજી રેલી

જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગે ભરૂચ જિલ્લા કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે. 14મી એપ્રિલના રોજ ધારાસભ્યોને આવેદન પત્ર પાઠવ્યા બાદ રવિવારના રોજ ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને વિવિધ મંડળો દ્વારા રેલી યોજવામાં આવી હતી. જે રેલી શાલીમાર, જિલ્લા પંચાયત, પાંચબત્તી સેવાશ્રમ થઈ શક્તિનાથ ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી. જ્યાં રેલી ધરણા પ્રદર્શનમાં પલટાઈ હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા.

ભરૂચ જિલ્લા કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે રેલી યોજી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ વિવિધ વિસ્તારોમાં રેલી ફરી શક્તિનાથ ખાતે રેલી ધરણા પ્રદર્શનમાં ફેરવાઈ હતી.

ભરૂચના દશાનગામના ગુમ ૨૧ વર્ષીય યુવાનનો ડીકમ્પોઝ મૃતદેહ મળ્યો

ભરૂચ તાલુકાના દશાન ગામમાંથી ગુમ થયેલા 21 વર્ષીય આશાસ્પદ યુવાનનો આજે દશાન ગામના નદી કિનારેથી ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં લખ્યું છે કે, ‘હું પ્યારમાં હારી ગયો એટલે જિંદગી હારી જવા માગુ છું’. પોલીસે સ્યુસાઈડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચના દશાન ગામના નદી કિનારે એક યુવકનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ પડ્યો હોવાની સામાજિક કાર્યકર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો અને ઓળક મેળવવા માટે સોશિયલ મીડિયામાં ફોટો મૂક્યા હતા. જેથી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે 14 એપ્રીલે દશાન ગામનો 21 વર્ષીય ભારમલ વસાવા ગુમ થયો હોવાની જાણ થઈ હતી. જેના આધારે પરિવારજનોનો સંપર્ક કરતા મૃતદેહની ઓળખ કરવામાં આવી હતી. આત્મહત્યા કરનાર યુવાન ઘરેથી નીકળતા પહેલા સુસાઇડ નોટ લખી ગયેલ હતો. સુસાઇડ નોટમાં તેણે આ પગલું પ્રેમમાં નિષ્ફળ જતા ભરેલ છે અને ‘મમ્મી પપ્પા મને માફ કરજો હું નર્મદા નદી માં પડવા જાવ છું’ તેમ લખી ઘરે થી નીકળી ગયેલ. બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જૂની પેન્શન યોજના શરૂ કરવા ભરૂચ અને વાગરાના ધારાસભ્યને પાઠવાયું આવેદન

ગુજરાત રાજ્ય કર્મચારીઓના બનેલા ” ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો ” અને “ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ” તરફથી ગુજરાત રાજ્યમાંનવી પેન્શન યોજના રદ કરી જુની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવાની માંગ સાથે ભરૂચ ધારાસભ્ય અને વાગરા ધારાસભ્યને એક આવેદન પાઠવાયું હતું.

આજરોજ તારીખ ૧૪ મી એપ્રીલ ડૉ . બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીએ બંધારણ પેન્શન અધિકાર દિવસ તરીકે ઉજવણી કરી અને ગુજરાતમાં જુની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવાની માંગણીઓ સાથે એક આવેદનપત્ર સુપરત કરીને તેમની માંગણી અને લાગણી રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પહોંચાડવા રજૂઆત કરી હતી.

આવેદનમાં રાજ્યના સર્વે કર્મચારીઓ માટે જુની પેન્શન યોજના પુન : સત્વરે ચાલુ કરવામાં આવે તેવી વિનંતી કરીને તેમની મુખ્ય માંગણીઓ પ્રશ્નો જુની પેન્શન યોજના પુન : ચાલુ કરવી, ફિક્સ પગારનો કેસ સુપ્રીમ કોર્ટમાંથી પરત ખેંચી ફિક્સ પગારની પ્રથા / કરાર આધારિત ભરતી મૂળ અસરથી બંધ કરવી,ગુજરાત સરકારે સૈધ્ધાંતિક રીતે સ્વીકારેલ કેન્દ્રીય પગારપંચની ભલામણો અનુસાર સાતમા પગારપંચના તમામ બાકી ભથ્થાઓ તુરંત આપવા,મૂળ નિમણુક તારીખથી તમામ હેતુ માટે સળંગ નોકરી ગણવી, તમામ કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ મળે તેવી રજૂઆત સરકારમાં પહોચાડવા માંગ કરી હતી.

ડો.ભીમરાવ આંબેડકરની જન્મ જ્યંતિ નિમિતે શ્રવણ વિદ્યાધામમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને એવોર્ડ અપાયા

આજરોજ લિંક રોડ પર આવેલ શ્રવણ વિદ્યાધામમાં ભારત રત્ન ડો.ભીમરાવ આંબેડકરની 131 મી જન્મ જ્યંતિ નિમિતે વર્ષ 2021-22ના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ વિદ્યાર્થી એવોર્ડ થી નવાજવામાં આવ્યા.આ પ્રસંગે શાળામાં ઉપસ્થિત મહેમાન કાંતિલાલ એમ પરમાર કે જેમણે સમાજને શિક્ષિત બનાવવા સેવા વ્રત ધારણ કરેલ છે.એમના હસ્તે શ્રેષ્ઠ વિદ્યાર્થી એવોર્ડનું વિતરણ કરવામાં  આવ્યું. તેઓ સામાજિક સમરસતા માટે  વિશેષ કાર્યરત છે.શાળામાં અલગ અલગ વિભાગ માંથી વિદ્યાર્થીઓને એના શ્રેષ્ઠ દેખાવ માટે સમગ્ર ગુણોને આધારે પસંદગી કરવામાં આવી છે. આ સાથે પ્રસંગને અનુરૂપ શાળા માં શ્રેષ્ઠ વક્તા દ્વારા ડો.ભીમરાવની વિચારધારાને કિરણભાઈ પટેલે હળવી શૈલીમાં બાળકોને સમજાવી,જેથી સમાજને શ્રેષ્ઠ દિશામાં આગળ વધારી શકાય.બડી સોચ કા બડા જાદુ ,મારો ધ્યેય જ મારું જીવન જેવા સુંદર વિચારો વિદ્યાર્થીઓ માં રોપ્યા.

આજના દિને ગુજરાતી માધ્યમમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીનું સ્થાન પામેલ વિદ્યાર્થીઓમાં 1.સુતરિયા હાર્દિક લાલિતચંદ્ર ધો-9,2.બારીયા ચેતના મહેશભાઈ ધો-8,3.માછી મિહિર ગણેશ ભાઈ ધો-3,4.માછી ભ્રામી વિજય ભાઈ -શિશુ-2 તેમજ અંગ્રેજી માધ્યમમાં,1.સિંગ સુહાની સુજીત ધો -7,2.કાયસ્થ ક્રિસંગ રાજેશ ધો-4,3.મકવાણા ભાર્ગવ પીયૂષ ભાઈ ukg  આ તમામ વિદ્યાર્થીઓ વર્ષ 2021-22 માં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું બિરુદ પામ્યા.જે બદલ શાળા પરિવાર સમગ્ર વિદ્યાર્થીઓને અભિનંદન આપી હર્ષની લાગણી અનુભવી છે.

અંકલેશ્વરના અંદાડામાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે સસ્તા અનાજની દુકાનમાંથી સરકારી અનાજ સગેવગે થતુ હોવાની વિગતો અંકલેશ્વરના પ્રાંત અધિકારીને થતા તેઓએ પુરવઠા વિભાગની ટીમ સાથે રેડ કરી હતી. જેમાં સરકારી અનાજના જથ્થામાં ક્ષતિ જણાય હતી. સરકારી અનાજની ફક્ત 2 ગુણ જ બચી હતી બાકી બધુ જ સરકારી અનાજ દુકાનદારે બારોબાર સગેવગે કરી વેચી માર્યું હતું.

અંકલેશ્વરના અંદાડામાં આવેલી સરકારી અનાજની દુકાનના સંચાલક જંકેશ મોદી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું ગરીબોને મળતા મફત સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે વેચી કાઢતો હોવાની શક્યતા સેવાઈ રહી હતી. જેથી પ્રાંત અધિકારી સહિત મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરતા જંકેશ મોદીને ત્યાં મફત સરકારી અનાજના જથ્થામાં ક્ષતિ જણાય હતી. જોકે, રેડની જાણ દુકાનદાર જંકેશ મોદીને અગાઉથી થઈ જતા તે ભૂગર્ભમાં ભરાઈ ગયો હતો.

પ્રાંત અધિકારી સહિતનો કાફલો લગભગ 4 કલાક તેની દુકાને રાહ જોઈ બેઠા હતા. ત્યારબાદ દુકાનદાર જંકેશ મોદી આવતા તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી. સરકારી અનાજની ફક્ત 2 ગુણ જ બચી હતી બાકી બધુ જ સરકારી અનાજ દુકાનદારે બારોબાર સગેવગે કરી વેચી માર્યું હતું. જેથી કસુરવાર દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અંકલેશ્વર હાઇવે ઉપરની હોટલના પાર્કિંગમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપાયો

ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર પાનોલી પાસે આવેલી હોટલના પાર્કિંગમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. પોલીસે 9.64 લાખનો દારૂ મળી કુલ 14.64 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.

ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન બાતમી મળી હતી કે, અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર પાનોલી પાસે આવેલી હોટલના પાર્કિંગમાં વિદેશી દારૂ ભરેલો ટેમ્પો સંતાડી રાખ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે ટેમ્પો નંબર-જી.જે.16.એ.યુ.9597માં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 6744 નંગ બોટલ મળી આવી હતી. જેથી પોલીસે 9.64 લાખનો દારૂ અને 5 લાખનો ટેમ્પો મળી કુલ 14.64 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચમાં જય ભીમના નારા સાથે બાબા સાહેબ આંબેડકરની જન્મ જ્યંતિ ઉજવાઇ

ભરૂચમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની 131 મી જન્મ જ્યંતિની દીપોત્સવ, રેલી,ફુલહાર સહિતના વિવિધ કાર્યકમો થકી ધામધૂમથી ઉજવણી કરાઈ હતી.

ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની 131 મી જન્મ જ્યંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા દીપોત્સવ, ફુલહાર સહિતના વિવિધ કાર્યકમો યોજાયા હતા. સાંસદ સભ્ય મનસુખ વસાવા, નાયબ મુખ્ય દંડક ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભરૂચ જિલ્લા અધ્યક્ષ મારૂતિસિંહ અટોદરિયા, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, મહાનુભાવો, ચૂંટાયેલા સભ્યો અનુ.જાતિ મોરચા રાજેન્દ્ર સુતરિયા, ચંદ્રકાંત જંબુસરીઆ, કિરણ સોલંકી સહિત તમામ મોરચાઓ તથા સફાઈ કામદાર સેલ સહિતના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો જોડાયા હતા.

રેલવે સ્ટેશન સર્કલ પાસે બુધવારે સાંજે ડૉ.બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાની સાફ સફાઈ બાદ જન્મ જયંતિ નિમિત્તે 131 દિવડા પ્રગટાવી દિપોત્સવ મનાવાયો હતો. ગુરુવારે મહાનુભવોએ સ્ટેશન સ્થિત આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ અનુ. જાતિની બાળાઓ દ્વારા કેક કાપવામાં આવી હતી. 131 જરૂરિયાતમંદ વ્યક્તિઓને ભોજન, શિશુગૃહના બાળકોને ફ્રૂટ વિતરણ, વાલ્મિકી વાસ આલી વિસ્તારમાં સાંજે ફુલહાર અર્પણ, ગોષ્ઠી અને સેવાકાર્યોનાં કાર્યક્રમો યોજાયા હતા.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજ્યો હતો. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની 131 મી જન્મ જ્યંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા સહિતનાએ ડો. આંબેડકરની પ્રતિમાને અપર્ણ કરી બંધારણના ઘડવૈયાના કાર્યો અને દેશ માટેના યોગદાનને વાગોળીયા હતા.

 

38 વર્ષીય દર્શિતા બારોટે CLM મિસિસ ઇન્ટરનેશનલ 2022 નો તાજ પોતાના નામે કરી વધાર્યું ભરૂચનું ગૌરવ

મૂળ ભરૂચની અને હાલમાં વડોદરા સ્થિત ફેશન ડિઝાઇનર દર્શિના અતિત બારોટે મિસિસ ગુજરાત 2021, મિસિસ બેસ્ટ પર્સનાલિટી 2021 પછી CLM મિસિસ ઇન્ટરનેશનલ 2022નો તાજ પોતાના નામે કર્યો છે. કિશુ ચાવલા દ્વારા આયોજિત CLM મિસિસ ઇન્ટરનેશનલ 2022 વિશે માહિતી આપતા ફેશન ડિઝાઈન દર્શિના અતિત બારોટે જણાવ્યું હતું કે, હું 18 વર્ષની હતી ત્યાર સુધી ભરૂચમાં રહેતી હતી. શાળાકીય શિક્ષણ મેં ભરૂચમાંથી જ પ્રાપ્ત કર્યું છે.

ભરૂચ સાથે મારી ઘણી યાદો સંકળાયેલી છે. હાલમાં હું વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહુ છું જ્યાં મારો ડિ ધ ડિઝાઇનર નામનો બુટીક સ્ટુડિયો છે. મેં MSUની ફેકલ્ટી ઓફ ફેમિલિ એન્ડ કમ્યુનિટિ સાયન્સિસમાંથી BSC નો અભ્યાસ કર્યો છે.ગત વર્ષે મારી બહેન જંકૃતિ પટેલ અને મિત્ર ભાવિકા પટેલે મિસિસ ગુજરાત 2021માં મારું ફોર્મ ભર્યું હતું. તે સમયે મારા પતિ અતિત બારોટનું કહેવું હતું કે, મારી પર્સનાલિટી પ્રમાણે મારે આ પ્રકારની સ્પર્ધામાં ભાગ લેવો જોઇએ.

મહિલા જન્મે ત્યારથી જ દરેક કાર્ય કરવા માટે સક્ષમ હોય છે પણ તેઓ પરિવારના સભ્યોને મહત્ત્વ આપતી હોય છે તેના કારણે લોકો એવું સમજે છે કે મહિલા બીજા પર નિર્ભર છે. મહિલાને સફળ થવા માટે ઉમર ક્યારેય બાધા નથી બનતી, બસ મહિલાઓએ હિંમત અને લગનથી કાર્ય કરવાની આવશ્યકતા છે. દરેક પત્નીએ પતિની ઇચ્છાનું માન રાખવું જોઇએ પણ તેની સાથે પોતાની પસંદનું કાર્ય કરવા માટે હંમેશા આગળ આવવું જોઇએ. કારણ કે પોતાની પસંદનું કાર્ય કરવાથી ચોક્કસ પણે સફળતા પ્રાપ્ત થશે તેવું દર્શિના બારોટે જણાવ્યું હતું.

error: Content is protected !!