રેલવે માર્ગે થતી નશીલા પદાર્થોની હેરાફેરી સામે વડોદરા રેલવે પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે મોટી સફળતા મેળવી છે. પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી ચેકિંગ દરમિયાન પોલીસને ₹2.93 લાખની કિંમતનો બિનવારસી ગાંજો મળી આવ્યો છે. આ મામલે ભરૂચ રેલવે પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, વડોદરા રેલવે પોલીસના એસ.ઓ.જી. (SOG) અંતર્ગત કામ કરતી સુરત કેમ્પની ટીમ રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં સઘન ચેકિંગ હાથ ધરી રહી હતી. આ દરમિયાન ઓડિશાના પુરીથી આવી રહેલી ૧૨૮૪૩ પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન ભરૂચ રેલવે સ્ટેશને આવી પ્લેટફોર્મ નંબર 3 પર આવી ઉભી રહેતાં તેઓએ સ્થાનિક પોલીસને સાથે રાખી ટ્રેનનો ગાર્ડ તરફનો વિકલાંગ કોચની બાજુનો કોચ તપાસવાનો બાકી હોઇ તેઓએ ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું દરમિયાનમાં બે બાથરૂમની વચ્ચે એક બેકપેક શંકાસ્પદ હાલતમાં બિવારસી મળી આવ્યું હતું.

તેમણે કોચમાં બેઠેલાં મુસાફરોને તે અંગે પુછપરછ કરતાં તે પૈકીના કોઇએ બેગ અંગે માહિતી આપી ન હતી. જેના પગલે તેમણે બેગની તપાસ કરતાં તેમાં વનસ્પતિજન્ય પદાર્થના બંડલો ભરેલાં હોવાનું જણાયું હતું. જેથી પોલીસે બેગ ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનમાં લઇ જઇ FSL ટીમની મદદથી તપાસ કરતાં બેગમાંથી 4 બંડલો મળી આવ્યાં જે તપાસતા તેમાં કેનાબીસના સક્રિય ઘટકો જણાતાં તેમાં નશીલો પદાર્થ ગાંજો હોવાનું માલુમ પડ્યું હતું. રેલવે પોલીસ ટીમે ગાંજાનું વજન કરતાં તેમાંથી કુ 5 કિલો 877 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.

પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને કુલ ₹2.93 લાખની કિંમતનો ગાંજો જપ્ત કર્યો છે. આ નશીલો પદાર્થ કોણ લાવ્યું હતું અને ક્યાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ભરૂચ રેલવે પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ટ્રેનના સીસીટીવી ફૂટેજ અને રિઝર્વેશન ચાર્ટના આધારે શંકાસ્પદ લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here