‘ફાઇટ અગેઇન્સ્ટ ડ્રગ્સ’ એટલે કે નશા વિરુદ્ધ જનજાગૃતિનો સંદેશ લઈને દેશના વિવિધ ખૂણાઓ અને રાજધાનીઓમાંથી નીકળેલી વિશાળ મોટરસાઇકલ રેલી આજે એકતાનગર ખાતે પહોંચી છે. દેશના વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, કેન્દ્રીય દળો અને કેન્દ્રીય સંસ્થાઓના પ્રતિનિધિત્વ સાથે આગળ વધી રહેલી આ રેલી આશરે ૧૪,૦૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડીને દેશના યુવાનોને નશાના દૂષણથી દૂર રહેવા અને જીવનમાં સાચો માર્ગ પસંદ કરવા પ્રેરિત કરી રહી છે.

દેશની ધમનીઓમાં રક્તની જેમ વહેતી આ રેલી માત્ર મોટરસાઇકલ યાત્રા નથી, પરંતુ ભારતના ભવિષ્યના ઘડવૈયા એવા યુવાનોમાં ડ્રગ્સના દુષ્પરિણામો અંગે જાગૃતિ ફેલાવતું એક રાષ્ટ્રવ્યાપી અભિયાન છે. દેશના વિવિધ વિસ્તારોમાંથી નીકળેલા સવારો એક જ હેતુ અને સંકલ્પ સાથે જોડાઈને નશામુક્ત ભારતનો સંદેશ જનજન સુધી પહોંચાડી રહ્યા છે.

આ રેલીનો પ્રથમ ફ્લેગ-ઓફ ૬ ઑક્ટોબરના રોજ ઇમ્ફાલ અને આઇઝોલથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉત્તર-પૂર્વના વિવિધ રાજ્યો, લેહના ઠંડા પર્વતીય વિસ્તારો તેમજ દૂર દક્ષિણના દ્વીપીય પ્રદેશોમાંથી શરૂ થયેલી ટીમો તબક્કાવાર આ અભિયાનમાં જોડાતી ગઈ હતી. અલગ-અલગ દિશાઓમાંથી આગળ વધેલી આ ટીમો આજે એક વિશાળ રાષ્ટ્રીય અભિયાનના સ્વરૂપમાં એકત્રિત થઈ છે.

આ રેલીમાં કુલ ૨૨૫ રાઇડરો સામેલ છે, જેમાં ૧૨ મહિલા રાઇડરોનો પણ સમાવેશ થાય છે. વિવિધ રાજ્યો અને સંસ્થાઓના પ્રતીકો સાથે આગળ વધી રહેલા આ રાઇડરો ભારતની વિવિધતામાં એકતા, રાષ્ટ્રીય અખંડિતતા અને સામૂહિક સંકલ્પનું જીવંત પ્રતીક છે. આ ભાવના સરદાર વલ્લભભાઈ પટેલે કલ્પેલા અખંડ ભારતના સ્વપ્નને પણ પ્રતિબિંબિત કરે છે.

આ અભિયાનને વધુ વેગ આપવા માટે ૨૧ ઑક્ટોબરના રોજ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ભવ્ય સમારોહમાં ૧૮ ટીમોના ૯૦ સવારોને લીલી ઝંડી આપી રવાના કર્યા હતા.

પ્રવાસ દરમિયાન રેલી અનેક શહેરો અને જિલ્લાઓમાંથી પસાર થઈ છે. વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધીને ડ્રગ્સના જોખમો, નશાની લતથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન તથા નશાથી દૂર રહી સકારાત્મક જીવન ઘડવાના મહત્ત્વ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here