ભરૂચમાં મહાત્મા ગાંધીજીની જન્મજયંતી તથા ઝાડેશ્વર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના 25 વર્ષ પૂર્ણ થવાના ઉપક્રમે રજતજયંતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત 2 ઑક્ટોબરના રોજ ભરૂચ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વિશાળ ‘મહા સ્વચ્છતા અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે.
BAPSના વર્તમાન ગુરુહરિ બ્રહ્મસ્વરૂપ પ.પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી યોજાનાર આ સેવાયજ્ઞમાં 800થી વધુ હરિભક્તો, કાર્યકરો, બાળકો-બાલિકાઓ, યુવક-યુવતીઓ તેમજ ભાઈ-બહેનો જોડાશે. સ્વયંસેવકો દ્વારા શહેરના વિવિધ જાહેર સ્થળોએ સામૂહિક સ્વચ્છતા સેવા હાથ ધરવામાં આવશે.
અભિયાન અંતર્ગત ધાર્મિક સ્થળો, હોસ્પિટલો, બસ સ્ટેશન, શાળાઓ, જાહેર માર્ગો, બાગ-બગીચા તથા કોમન પ્લોટ સહિતના વિસ્તારોમાં સફાઈ કામગીરી કરવામાં આવશે. આ માટે મંદિર પ્રશાસન દ્વારા વિવિધ સત્સંગ મંડળો અને સેવાકાર્યકરોને સ્થળવાર જવાબદારીઓ સોંપી આયોજન કરવામાં આવ્યું છે.આ અભિયાનનો મુખ્ય હેતુ નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધારવા, લોકભાગીદારીને પ્રોત્સાહન આપવા અને સામાજિક જવાબદારીની ભાવનાને મજબૂત બનાવવાનો છે.
BAPS ભરૂચ મંદિરના પૂજ્ય કોઠારી સ્વામી અનિર્દેશદાસજીએ જણાવ્યું હતું કે, “સ્વચ્છતા માત્ર એક દિવસનું અભિયાન નથી, પરંતુ સ્વસ્થ અને સુંદર સમાજના નિર્માણ માટેની આપણી સૌની સામૂહિક જવાબદારી છે.” તેમણે ભરૂચવાસીઓને ‘મારું ભરૂચ, સ્વચ્છ ભરૂચ, સ્વસ્થ ભરૂચ, ગ્રીન ભરૂચ’ના સંકલ્પને સાકાર કરવા આ સેવાયજ્ઞમાં સહભાગી બનવા અપીલ કરી હતી.
સ્વચ્છતા અભિયાન માટે વિશ્વેશ્વર કોમ્પ્લેક્ષ, ગાયત્રી કૃપા સોસાયટી, હરિઓમ કોમ્પ્લેક્ષ/સોસાયટી, વાસુદેવ/ઉમાકુંજ, જલારામ સોસાયટી, આત્મીય/અભિષેક ફ્લેટ, સમૃદ્ધિ રેસિડેન્સી, મનીષાનગર/અભિષેક સોસાયટી, રિદ્ધિ બંગલોઝ, શ્રી સ્વામિનારાયણ સોસાયટી, ગણેશ વિહાર સોસાયટી, શ્રીનાથજી સોસાયટી, માનસનગર-1, સરદારજી સ્ટ્રીટ/નવી સોસાયટી, શ્રી નિકેતન-3, હેપ્પી રેસિડેન્સી, ન્યાલકરણ તથા વિશ્વાસ કો.ઓ.હા. સોસાયટી સહિતના વિસ્તારોમાં સ્વચ્છતા સેવા હાથ ધરાશે.





