રાષ્ટ્રપતિ દ્રોપદીએ મંજૂરી આપતા જ રાજ્ય સરકારે એક જ દિવસે બે મહત્વના કાયદાકીય પગલાંને સત્તાવાર ગેઝેટમાં પ્રસિદ્ધ કર્યા છે. ‘ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ, 2026’ને ગુજરાત સરકારના અસાધારણ ગેઝેટમાં ગુજરાત એક્ટ નં. 15 ઓફ 2026 તરીકે પ્રસિદ્ધ કર્યો છે. આ સાથે જ હવે 1 ઓક્ટોબરથી UCC કાયદો બની ગયો છે.

આ સાથે જ લિવ-ઇનમાં જન્મેલા બાળકોને કાયદાકીય માન્યતા મળી ગઈ છે. તેમજ વસિયત ન હોય તો સંપત્તિમાં માતા-પિતાને પણ હિસ્સો મળશે.બીજી તરફ ‘ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (એમેન્ડમેન્ટ) એક્ટ, 2026’ને પણ 1 ઓક્ટોબરથી અમલમાં લાવવા શિક્ષણ વિભાગે અલગ નોટિફિકેશન બહાર પાડ્યું છે.

1 ઓક્ટોબરના ગેઝેટમાં પ્રકાશિત UCC કાયદો લગ્ન, છૂટાછેડા, વારસો, લિવ-ઇન સંબંધો અને તેની સાથે જોડાયેલી બાબતોને નિયંત્રિત કરવા માટેનો કાયદો છે. મૂળ બિલમાં સ્પષ્ટ છે કે તેનું નામ ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ, 2026 રહેશે અને તે રાજ્ય સરકાર ગેઝેટમાં નોટિફિકેશન દ્વારા નક્કી કરે તે તારીખથી અમલમાં આવશે.

ગેઝેટમાં કાયદાની શરૂઆતની જોગવાઈઓમાં જણાવાયું છે કે તેનો વિસ્તાર સમગ્ર ગુજરાત સુધી રહેશે અને ગુજરાતના એવા રહેવાસીઓ પર પણ લાગુ પડશે જેઓ રાજ્યની બહાર રહે છે.UCCમાં ખાસ જોગવાઈ કરીને બંધારણની કલમ 342 હેઠળની અનુસૂચિત જનજાતિઓ (ST) ને કાયદામાંથી બાકાત રાખવામાં આવી છે. ઉપરાંત બંધારણના ભાગ XXI હેઠળ જેમના પરંપરાગત અધિકારો સુરક્ષિત છે તેવા વ્યક્તિઓ અને સમુદાયો પર પણ આ કોડ લાગુ નહીં પડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here