ભરૂચ લોકસભાની બેઠક પરથી 53 વર્ષમાં પેહલી વખત કોંગ્રેસનું નામોનિશાન જોવા નહીં મળે. ભાજપનો ગઢ બની ગયેલી ભરૂચની બેઠકની આ ચૂંટણીમાં EVM મશીનમાં પંજાના નિશાન ઉપર ઝાડું ફરી વળ્યું છે.
ભરૂચ લોકસભા બેઠક એક સમયે કોંગ્રેસનો ગઢ હતી. જોકે 1989 બાદથી મરહુમ અહેમદ પટેલની હાર થયા બાદ આ બેઠક પર ભાજપનું એક ચક્રી સામ્રાજ્ય સ્થાપિત થઈ ગયું હતું. 35 વર્ષથી ભાજપ આ બેઠક જીતતી આવી છે.
ઇન્ડિયા ગઠબંધનમાં આ વખતે કોંગ્રેસ અને આપનો ઉમેદવાર ચૈતર વસાવાને જાહેર કરાતા 53 વર્ષમાં પેહલીવાર ભરૂચ લોકસભા બેઠકના 16 લાખથી વધુ મતદારોને EVM મશીનમાં પંજાનું નિશાન શોધ્યું ય નહિ જડે. કોંગ્રેસના હાથના સ્થાને આ વખતે EVM માં ઝાડું જોવા મળશે.
કોંગ્રેસ દ્વારા અગાઉની ચૂંટણીના પરિણામો બાદ ભાજપ પર ઇલક્ટ્રોનિક વોટિંગ મશીનના સહારે વિજયનો દોષ ઠલવાતો હતો ત્યારે આજે એવી સ્થિતિ આવી ગઈ છે કે ચૂંટણીમાં EVM મશીનમાં કોંગ્રેસનું નિશાન જ ભૂંસાઈ ગયું છે.
આટલું ઓછું હોય તેમ ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં પણ વર્તમાન પ્રમુખ, પૂર્વ પ્રમુખ, મરહુમ અહેમદ પટેલના સંતાનોના ટેકેદારો અને ઇન્ડિ ગઠબંધનના ઉમેદવાર આપના ચૈતર વસાવાના સમર્થકોને લઈ ભાગલા જોવા મળતા પક્ષ પણ વેરવિખેર જોવા મળી રહ્યો છે.