ભરૂચ જિલ્લાના દહેજ ગામની વતની કવિતા કાંતિલાલ ગોહિલ( ઉવ-32 ) કેવડિયામાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતી હતી.આજ રોજ તેણી પિતા સાથે મોપેડ લઈને કેવડિયાથી પોતાના વતન દહેજ આવી રહી હતી. ત્યારે તેને શું ખબર હશે કે તેની આ સફર આખરી સફર બની રહેશે.પરિવારને મળવાની ખુશીમાં મોપેડ પર કવિતા અને પિતા ઝઘડીયા તાલુકા નાના સાંજા ફાટક નજીક વળાંક લઈ રહ્યા હતાં ત્યારે પાછળ પુર ઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે તેને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને લોકો માર્ગ પર પટકાયા હતાં.
જેમાંપાછળ બેઠેલી કવિતા ડમ્પરના આગળની બાજુએ પડતા ડમ્પરના તોતિંગ ટાયર તેના પર ફરી વળતા તેણીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.જ્યારે તેના પિતાનો ચમત્કારીક રીતે બચાવ થયો હતો.અકસ્માત સર્જી ડમ્પર ચાલક ડમ્પર લઈને ભાગી ગયો હતો.
બનાવની જાણ થતાં ઝઘડિયા વન વિભાગ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.કવિતાના મોતના પગલે પરિવારજનોમાં માતામ છવાઈ ગયો હતો.પુત્રીના ઘરે આવવાની ખુશી આક્રંદમાં ફેરવાઈ જતા વાતાવરણ ગમગીન બની ગયું હતું.જોકે અત્રે ઉલ્લેખનીય છે કે,બીટગાર્ડ કવિતા ગોહિલના લાઈવ અકસ્માતના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે.જેમાં પાછળ આવી રહેલા એક ફોરવ્હીલ ચાલકની કારના સીસીટીવી કેમેરામાં આ અકસ્માત કેદ થઈ ગયો હતો.હાલમાં પોલીસે આ સીસીટીવી ફુટેજના આધારે ડમ્પર ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.