ભરૂચના હાર્દસમા પાંચબત્તી વિસ્તારમાં આવેલું અને એક સમયે ગુજરાતભરના કલાકારો માટે પ્રચલિત મંચ ગણાતું ‘રંગઉપવન’ છેલ્લા ૧૫ વર્ષથી ભરૂચ નગરપાલિકાની બજેટ ડાયરીમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ અને ફોટા પૂરતું જ સીમિત રહી ગયું છે. રંગઉપવન શોપિંગ સેન્ટરના નવીનીકરણ માટે બજેટમાં ₹૧૦.૫૮ કરોડથી લઈને ₹૧૯.૫૦ કરોડ સુધીની જોગવાઈઓ દર્શાવાઈ, પરંતુ વાસ્તવમાં આ સ્થળ આજે ખંડેર બની ગયું છે.

નવીનીકરણ બાદ નવા કોમ્પ્લેક્સમાં દુકાન ફાળવવાની શરતે આગળની ૧૮ દુકાનોના વેપારીઓએ દુકાન દીઠ ₹૩.૫૦ લાખ જમા કરાવવાની યોજના હેઠળ છેલ્લા ૧૬ મહિનામાં અંદાજે ₹૩૦ લાખ (માસિક ₹૧૦ હજાર લેખે) પાલિકામાં જમા કરાવ્યા છે. આમ છતાં, હજુ સુધી કામ શરૂ ન થતાં વેપારી મુન્નાભાઈ ભાટીયા સહિતના દુકાનદારો જર્જરિત દુકાનોમાં જીવના જોખમે વેપાર કરવા મજબૂર બન્યા છે.

સ્થળ પર તૂટેલા સ્લેબ, ઉગી નીકળેલા વૃક્ષો, દારૂની ખાલી બોટલો અને પશુઓનો અડિંગો જોવા મળી રહ્યો છે, જે જોખમી સાબિત થઈ શકે છે. આ મામલે વિપક્ષી નગરસેવક જીગ્નેશ બ્રહ્મભટ્ટે સત્તાપક્ષ પર આક્ષેપ કર્યો હતો કે રાજકીય નેતાઓને સસ્તા ભાવે દુકાનો જોઈતી હોવાથી પ્રોજેક્ટ અટક્યો છે. બીજી તરફ, પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા અને કારોબારી ચેરમેન પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ માટે સરકાર પાસે લોનની દરખાસ્ત મૂકવામાં આવી છે અને મંજૂરી મળતા જ કામગીરી શરૂ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here