જંબુસર નગરપાલિકા વિસ્તારમાં દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલના અભાવે સર્જાતી જળભરાવની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે વોર્ડ નં. 4ના નગરસેવક શહેનાઝ એન. પઠાણે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ રહે છે. અવરજવર મુશ્કેલ બને છે. રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જાય છે.

નાગરિકોનું દૈનિક જીવન તથા સલામતી જોખમાય છે. ઉપરાંત, ભરાયેલા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધે છે. રોગચાળાની દહેશત ઊભી થાય છે. આ સમસ્યાના નિવારણ માટે સમગ્ર જંબુસર શહેરનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરી આધુનિક તકનીકથી વરસાદી અને ગંદા પાણીના નિકાલની અલગ વ્યવસ્થા ઊભી કરવા માંગ કરાઈ છે.
ખાસ કરીને જ્યાં વધુ પાણી ભરાય છે ત્યાં યોગ્ય ક્ષમતાની સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ અને નવી વરસાદી તથા ખુલ્લી ગટરો બનાવવા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ મારફતે વિશેષ ગ્રાન્ટ ફાળવવા અપીલ કરાઈ છે. તમામ વોર્ડમાં નિયમિત દેખરેખ હેઠળ ગુણવત્તાયુક્ત કામગીરી થાય. સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થઈ શકે.
સ્ટોર્મ વોટર ડ્રેનેજ કેમ જરૂરી
સામાન્ય ગટર લાઈન ઘરેલુ ગંદા પાણી માટે હોય છે, જેની ક્ષમતા મર્યાદિત હોવાથી ભારે વરસાદમાં તે ઊભરાય છે. સ્ટોર્મ વોટર ડ્રેનેજ એ ખાસ વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે બનાવાતી અલગ ભૂગર્ભ પાઈપલાઈન વ્યવસ્થા છે. તે રસ્તા પરના પાણીને સીધું નજીકના તળાવ કે નદી સુધી પહોંચાડે છે, જેનાથી ભૂગર્ભ જળસ્તર ઊંચું આવે છે અને રસ્તાઓનું ધોવાણ અટકે છે.
જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં
આવે જંબુસર નગરપાલિકાના તમામ વોર્ડમાં વરસાદી પાણીના નિકાલ માટે ટેકનિકલ સર્વે હાથ ધરવામાં આવે અને જ્યાં વરસાદી ગટર વ્યવસ્થા ઉપલબ્ધ નથી ત્યાં નવી ગટર લાઈન તથા જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવે. ખુલ્લી વરસાદી ગટરોને યોગ્ય સ્થળે મજબૂત બનાવવામાં આવે તેમજ જરૂરી જગ્યાએ સ્લેબ અથવા સુરક્ષિત આવરણ મૂકીને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવે. – શહેનાઝ પઠાણ,નગરસેવક






