ભરૂચ જિલ્લાના માર્ગો પર દોડતા ખાનગી વાહનો પર લગાવાતા જ્ઞાતિદર્શક લખાણો, ચિહ્નો અને બિનઅધિકૃત જાહેરાતો પર હવે સંપૂર્ણ લગામ કસવામાં આવશે. રાજ્યના બંદરો અને વાહનવ્યવહાર વિભાગ દ્વારા ગુજરાત મોટર વાહન નિયમો, 2026 જાહેર કરવામાં આવ્યા છે, જે રાજપત્રમાં પ્રસિદ્ધ થવાની તારીખથી જ ભરૂચ જિલ્લામાં પણ કડક રીતે લાગુ કરી નિયમોનું પાલન કરાવવામાં આવશે.

મોટર વાહન અધિનિયમ, 1988 હેઠળ મળેલી સત્તાની રૂએ સરકારે ગુજરાત મોટર વાહન નિયમો, 1989ના નિયમ 125 અને નિયમ 138માં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. આ નવા નિયમ મુજબ, રાજ્ય સરકાર સામાન્ય કે ખાસ હુકમ દ્વારા મંજૂરી આપે તે સિવાય ભરૂચ સહિત રાજ્યમાં કોઈપણ ખાનગી વાહન પર જાહેરાતનું સાધન, જ્ઞાતિદર્શક ચિહ્ન કે લખાણ, આકૃતિ અથવા અન્ય કોઈ લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં.

અગાઉ 11 જૂન 2026ના રોજ પ્રસિદ્ધ થયેલા મુસદ્દા જાહેરનામા સામે 30 દિવસમાં કોઈ વાંધો ન મળતા સરકારે આ નિયમને આખરી સ્વરૂપ આપ્યું છે. આ નિર્ણયથી ભરૂચ જિલ્લામાં વાહનો પર જ્ઞાતિદર્શક લખાણો લખી રોફ જમાવતા તત્વો સામે હવે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here