લાંબા સમયની રાહ જોયા બાદ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનચાલકો માટે દેણવા-ડોલીયા બ્રિજ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજ કાર્યરત થવાથી આસપાસના ગ્રામજનો અને વાહનચાલકોની અવરજવર માટે એક અત્યંત મહત્વપૂર્ણ સુવિધા ઊભી થઈ છે. સ્થાનિક નાગરિકો આ બ્રિજને પોતાના માટે આશીર્વાદરૂપ ગણાવી રહ્યા છે અને વર્ષો જૂની સમસ્યાનો અંત આવતાં તેમણે ગુજરાત સરકાર તેમજ સ્થાનિક ધારાસભ્ય ડી.કે. સ્વામીનો આભાર વ્યક્ત કર્યો છે.

બીજી તરફ, બ્રિજ શરૂ થવાની ખુશી વચ્ચે વિવાદ પણ સર્જાયો છે. બ્રિજની આસપાસના ભાગમાં ઠેરઠેર તિરાડો દેખાતી હોવાના મુદ્દે કોંગ્રેસ દ્વારા બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા છે.

ભૌગોલિક પરિસ્થિતિ પર નજર કરીએ તો, આ વિસ્તારમાં દિવસમાં બે વખત આવતી દરિયાઈ ભરતી અને ઢાઢર નદીના પૂરના પ્રવાહ વચ્ચે બ્રિજનું નિર્માણ કરવું એ એક મોટો પડકાર હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વર્ષ 2016 બાદ ઢાઢર નદીમાં અનેક વખત પૂરની સ્થિતિ સર્જાઈ છે અને દરિયાઈ ભરતીના કારણે કાંઠા વિસ્તારમાં ધોવાણ થવાથી બ્રિજની લંબાઈ વધારવાની પણ જરૂરિયાત ઊભી થઈ હતી.

હાલ એક તરફ વિકાસના કામથી જનતામાં આનંદ છે, તો બીજી તરફ રાજકીય આક્ષેપબાજી તેજ બની છે. બ્રિજની આસપાસ દેખાતી તિરાડો ખરેખર નબળા બાંધકામની ખામી છે કે પછી દરિયાઈ ભરતી અને પૂર જેવા ભૌગોલિક કારણોસર ઉદ્ભવી છે, તે અંગે યોગ્ય તપાસ થાય તે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here