ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના રાષ્ટ્રનિર્માણમાં અમૂલ્ય યોગદાનને સ્મરણાંજલિ આપવા અને ૨૬ નવેમ્બરના રોજ ઉજવાતા ‘સંવિધાન ગૌરવ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે આજ રોજ આમોદ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં જંબુસર-આમોદના ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ડૉ. બાબાસાહેબ આંબેડકરની બંને પ્રતિમાઓની સાફ-સફાઈ કરી હતી. ત્યારબાદ દૂધ, ઘી, નર્મદાના પવિત્ર નીર અને સાકર સહિતની સામગ્રીથી પ્રતિમાઓનો પંચામૃત અભિષેક કરી પુષ્પહાર અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ ઉપરાંત, આમોદના તિલક મેદાન ખાતે આવેલી આદિવાસી સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનો પણ ધારાસભ્ય ડી.કે. સ્વામી દ્વારા જળાભિષેક કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી કમલેશ મકવાણા, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, શહેર મહામંત્રી ભાવિક પટેલ, તાલુકા મહામંત્રી હિતેશ પટેલ, નગરપાલિકાના નગરસેવકો, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ સ્વીકાર્યું હતું, જેની યાદમાં દર વર્ષે સમગ્ર દેશમાં બંધારણ દિવસની ઉજવણી થાય છે. ડૉ. આંબેડકરના નેતૃત્વમાં તૈયાર થયેલું ભારતીય બંધારણ દેશના લોકતંત્ર, સમાનતા, ન્યાય, સ્વતંત્રતા અને બંધુત્વના મૂલ્યોનો મજબૂત પાયો છે.

• રિપોટ બાય : વિનોદ પરમાર,આમોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here