ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના માર્ગો પર બેફામ ગતિએ દોડતા ભારે વાહનો નિર્દોષ વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. તાલુકામાં વધી રહેલા અકસ્માતોની વણઝાર વચ્ચે ગત તા. ૨૨ નવેમ્બરના રોજ રાજપારડી નજીક હનુમાન ટેકરી પાસે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં સુરતના એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે.

મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખડસડ ગામે રહેતા વિપુલભાઈ હિંમતભાઈ જિયાણી ગત તા. ૨૨મીએ પોતાની મોટરસાયકલ લઈને નર્મદા જિલ્લાના કેવડિયા નજીક આવેલા નાસરી ગામના મંદિરે પુનમ ભરવા જવા નીકળ્યા હતા. સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં તેઓ રાજપારડી પાસે હનુમાન ટેકરી નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી પુરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક હાઇવા ટ્રકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં વિપુલભાઈને શરીરે ગંભીર ઈજાઓ થવા ઉપરાંત બંને પગમાં ફેક્ચર થયા હતા. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક અવિધા સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ થઈ સુરત ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો.
આ મામલે ઈજાગ્રસ્તના મસીયાઈ ભાઈ અજયભાઈ ભરતભાઈ વેકરિયા (રહે. સીમાડા, સુરત) એ રાજપારડી પોલીસ મથકે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઝઘડિયા તાલુકાના માર્ગો પર ભારે વાહનોની અવરજવર અને બેફામ ડ્રાઇવિંગ પર પોલીસ તેમજ તંત્ર દ્વારા અંકુશ લાવવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.





