જૈન ધર્મમાં અત્યંત પવિત્ર ગણાતા કારતક સુદ પૂનમ એટલે કે કાર્તિક પૂર્ણિમાના પાવન અવસરે ભરૂચ શહેર અને જિલ્લામાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. આ શુભ દિવસે ભરૂચ પાંજરાપોળ ખાતે મુકવામાં આવેલા તીર્થરાજ શ્રી શત્રુંજય મહાતીર્થના ત્રિ-દર્શન પટના દર્શનનો લાભ લેવા માટે જૈન શ્રેષ્ઠીઓ તેમજ સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
કાર્તિક પૂર્ણિમા નિમિત્તે ભરૂચ તીર્થે શક્તિનાથ સ્થિત શ્રી આદિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ખાતે પરંપરાગત ‘કાયમી ભાતા’ના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગના મુખ્ય લાભાર્થી તરીકે ભરૂચની પ્રતિષ્ઠિત ફર્મ મહાવીર મેડિકલ વાળા માતુશ્રી સુંદરબેન માંગીલાલજી નાહર પરિવારે સેવાનો લાભ લીધો હતો.
જૈન શ્રેષ્ઠીઓએ આ દિવસનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, જૈન શાસ્ત્રોમાં કારતક સુદ પૂનમના દિવસે શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા અને દર્શનનો વિશેષ મહિમા છે. દર વર્ષે કારતક પૂનમ અને ફાગણ સુદ તેરસના અવસરે દેશ-વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ પાલિતાણા ગિરિરાજની તળેટીએથી યાત્રાનો પ્રારંભ કરી દેરાસરોના દર્શનથી ધન્યતા અનુભવે છે. પ્રથમ તીર્થંકર શ્રી આદિશ્વર ભગવાનના પુનિત સ્મરણો અને અસંખ્ય મુનિઓની તપશ્ચર્યાથી પાવન બનેલા આ મહાતીર્થની પ્રદક્ષિણા મોક્ષદાયી માનવામાં આવે છે.






