ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ મથકની હદમાં માનવતાને લજવતી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. ગામના જ બે યુવકોએ 64 વર્ષીય વૃદ્ધાને પોતાની હવસનો શિકાર બનાવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પીડિત વૃદ્ધા પોતાના ઘરના વાડામાં તડકામાં બેઠા હતા. આ દરમિયાન એકલતાનો લાભ ઉઠાવી ગામના જ બે યુવકો ત્યાં ઘસી આવ્યા હતા અને વૃદ્ધાને નિશાન બનાવ્યા હતા. આરોપીઓએ વૃદ્ધા સાથે અઘટિત કૃત્ય આચર્યું હતું. દુષ્કર્મ દરમિયાન અતિશય રક્તસ્રાવ થવાના કારણે વૃદ્ધા સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા.
ભાનમાં આવ્યા બાદ વૃદ્ધાએ અદમ્ય હિંમત દાખવી સમગ્ર મામલે કાવી પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. પોલીસે વૃદ્ધાની ફરિયાદના આધારે એક યુવક સામે દુષ્કર્મ અને બીજા યુવક સામે છેડતીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિભાગીય પોલીસ અધિક્ષક (DySP) પી.એલ. ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ કાવી પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. 64 વર્ષની ઉંમરે પણ મહિલાઓ સુરક્ષિત ન હોવાની આ ઘટનાએ સમાજની સંવેદનશીલતા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિકોમાં આ અમાનવીય કૃત્ય સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ નરાધમોને ક્યારે ઝડપી પાડે છે અને તપાસમાં શું નવા ખુલાસા થાય છે.






