આમોદ તાલુકાના ઓચછણ ગામે ગેરકાયદેસર માટી ખોદકામના મામલે મોટો વિવાદ ઊભો થયો છે. ગામના ખેડૂત પ્રવીણભાઈ વેરીભાઈ પટેલે આક્ષેપ કર્યો છે કે તેમના ખેતરની આસપાસ ગેરકાયદેસર માટી ખોદકામ થવાને કારણે તેમની ખેતીલાયક જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે, જેનાથી તેમને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ખેડૂતે આ મામલે આમોદ તાલુકા કોંગ્રેસના અગ્રણી કેતન પટેલ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પ્રવીણભાઈના જણાવ્યા અનુસાર, તેમની જાણ બહાર ડુપ્લિકેટ સહી અને ખોટા દસ્તાવેજો રજૂ કરીને માટી ખોદકામની પરમિશન મેળવી લેવામાં આવી છે. આ ઘટનાને પગલે ખાણ-ખનીજ વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે કે ખેડૂતની અસલી સહી કે સંમતિ વગર મંજૂરી કેવી રીતે મળી અને દસ્તાવેજોની ખરાઈ કોણે કરી?

જ્યારે ખેડૂતે જમીનના ધોવાણ બદલ નુકસાનના વળતરની માંગણી કરી, ત્યારે કેતન પટેલ દ્વારા “તમારાથી કશું થવાનું નથી અને તમને કોઈ વળતર મળશે નહીં” તેવો ઉદ્ધત જવાબ આપવામાં આવ્યો હોવાનો દાવો ખેડૂતે કર્યો છે.

ન્યાયની ગુહાર લગાવતા પીડિત ખેડૂતે તલાટી, મામલતદાર, નાયબ કલેક્ટર, ખાણ-ખનીજ વિભાગ અને જિલ્લા કલેક્ટરથી લઈને છેક CMO અને PMO સુધી લેખિતમાં ફરિયાદ કરી છે. પોતાની વ્યથા ઠાલવતા ખેડૂતે મીડિયાને સ્થળ પર બોલાવી સમગ્ર હકીકત જણાવી હતી. હવે જોવાનું એ રહેશે કે બોગસ દસ્તાવેજોના આ ગંભીર મામલે તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરીને ખેડૂતને ન્યાય અને વળતર અપાવાય છે કે કેમ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here