અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પાણીકાપની સ્થિતિએ હવે ઉદ્યોગોની ઉત્પાદન કિંમત પર સીધી અસર ઊભી કરી છે. જીઆઇડીસી દ્વારા અગાઉ રૂ.55 પ્રતિ કિલો લિટર ના ભાવે મળતું પાણી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન થતાં ઉદ્યોગકારોને હવે ટેન્કર મારફતે રૂ.200 પ્રતિ કિલો લિટર ના ભાવે વધારાનું પાણી ખરીદવાની ફરજ પડી રહી છે.

એટલે કે, પાણીના ખર્ચમાં પ્રતિ કિલો લિટરે રૂ.145 નો વધારો થયો છે. ઉત્પાદન બંધ રાખવાથી વિદેશી ઓર્ડર અટકી જવાની અને ડિલિવરીમાં વિલંબ થવાની ભીતિ વચ્ચે ઉદ્યોગો મોંઘા ભાવે પાણી ખરીદીને પ્રોડક્શન ચાલુ રાખી રહ્યા છે. તેના કારણે ઉદ્યોગોની પ્રોડક્શન કોસ્ટમાં 10 થી 15 ટકા સુધીનો વધારો થવાની શક્યતા છે.

ખાસ કરીને ડિસેમ્બરમાં ક્રિસમસ વેકેશન પૂર્વે વિદેશી બજારોમાંથી મળેલા ઓર્ડર સમયસર પૂર્ણ કરવા ઉદ્યોગકારો પર દબાણ વધ્યું છે. નિકાસના ઓર્ડરની સમયમર્યાદા જાળવવા માટે પ્લાન્ટ બંધ રાખવો શક્ય ન હોવાથી ઉદ્યોગો હાલ ટેન્કર મારફતે વધારાનું પાણી મેળવી રહ્યા છે. આમ, એક તરફ ઉત્પાદનનું નુકસાન અટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તો બીજી તરફ વધતા પાણીના ખર્ચથી નફાકારકતા પર અસર થવાની સ્થિતિ ઊભી થઈ છે.

અંકલેશ્વર જીઆઈડીસીના ઉદ્યોગો માટે હાલ પાણીની અછત કરતાં પણ મોટો પડકાર ઉત્પાદનની સમયમર્યાદા જાળવવાનો છે. ખાસ કરીને વિદેશી ગ્રાહકોને ક્રિસમસ વેકેશન પહેલા માલ પહોંચાડવાનો હોય ત્યારે ઉત્પાદન અટકાવવું ઉદ્યોગકારો માટે જોખમી બની શકે છે. વિદેશી ઓર્ડર સમયસર પૂર્ણ ન થાય તો ડિલિવરીમાં વિલંબ, ગ્રાહકોની નારાજગી અને કરારની શરતો મુજબ પેનલ્ટીનું જોખમ ઊભું થઈ શકે છે. આથી ઉદ્યોગો હાલ વધારાના ખર્ચે ટેન્કરનું પાણી ખરીદી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here