ગુજરાત અને મહારાષ્ટ્રના આદિવાસી પટ્ટાની લોકસંસ્કૃતિ માત્ર પરંપરાગત નૃત્યો, લોકગીતો અને વેશભૂષા પૂરતી સીમિત નથી, પરંતુ તેમાં સમાજને હસાવવાની સાથે વિચારવા પ્રેરતી અનેક અનોખી લોકકળાઓ પણ ધબકે છે. આવી જ એક જીવંત અને આગવી લોકકળા એટલે ‘સોગાડિયા’. વર્ષોથી આદિવાસી સમાજમાં મનોરંજનનું મુખ્ય માધ્યમ બની રહેલી આ પરંપરા આજે સામાજિક જાગૃતિ અને પરિવર્તનનો સંદેશ આપવાનું અસરકારક માધ્યમ બની રહી છે.

ગુજરાત અને મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારોમાં પ્રચલિત સોગાડિયાની પરંપરામાં પુરુષ કલાકારો સ્ત્રીનું પરિધાન ધારણ કરે છે. સાડી, પરંપરાગત આભૂષણો અને આકર્ષક શણગાર સજીને તેઓ અનોખી અદામાં પાત્રાલેખન કરે છે. નૃત્ય, લોકગીતો, ચહેરાના હાવભાવ અને હાસ્યસભર સંવાદો દ્વારા તેઓ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દે છે. ગુજરાતની પ્રખ્યાત ‘ભવાઈ’ની જેમ જ લોકજીવન સાથે વણાયેલી આ કળા આદિવાસી સમાજની આગવી અભિવ્યક્તિ અને સાંસ્કૃતિક ઓળખ બની રહી છે.

ખાસ કરીને નર્મદા જિલ્લાના સુપ્રસિદ્ધ યાહા મોગી પાંડોરી માતાજીના (દેવમોગરા) શિવરાત્રી મેળામાં તેમજ ભાદરવા દેવ ભાથીજી મહારાજના વરઘોડા અને મેળામાં સોગાડિયાઓની હાજરી મેળાની રોનકમાં ચાર ચાંદ લગાવે છે. દૂરદૂરથી આવતા શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ માટે સોગાડિયાની રજૂઆત વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે. રંગબેરંગી વેશભૂષા અને લયબદ્ધ નૃત્ય દ્વારા તેઓ લોકમેળામાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ સર્જે છે.

સોગાડિયાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમની કળા માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત નથી. તેઓ સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા, કુરિવાજો, વ્યસન, અને સામાજિક અસમાનતા જેવી બુરાઈઓને પોતાની રજૂઆતોનો વિષય બનાવે છે. નાટ્યાત્મક અભિનય અને વ્યંગાત્મક સંવાદો દ્વારા તેઓ સમાજની ખામીઓ સામે અરીસો ધરે છે. જે ગંભીર વાત સીધી રીતે કહેવામાં આવે તો લોકો સ્વીકારવામાં સંકોચ અનુભવે, તે જ વાત સોગાડિયાઓ હળવી શૈલી અને હાસ્યના માધ્યમથી સરળતાથી લોકોના હૃદય સુધી પહોંચાડે છે.

આધુનિક યુગમાં મનોરંજનના અનેક ડિજિટલ માધ્યમો ઉપલબ્ધ હોવા છતાં સોગાડિયા જેવી લોકકળાનું મહત્વ આજે પણ અકબંધ છે, કારણ કે તે આદિવાસી સમાજના સામૂહિક આનંદ અને સંવેદનાનું પ્રતિબિંબ છે. સ્થાનિક કલાકારોને યોગ્ય મંચ પૂરું પાડવું અને નવી પેઢીને આ વારસા સાથે જોડવી એ સમયની માંગ છે. સોગાડિયા પરંપરા સાબિત કરે છે કે સમાજમાં પરિવર્તન લાવવા હંમેશાં ગંભીર ભાષણોની જરૂર નથી હોતી; ક્યારેક હાસ્યનો એક સંવાદ પણ પરિવર્તનનું બીજ વાવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here