ભરૂચ શહેર નજીક આવેલા ચાવજ ગામ વિસ્તારની એક ખાનગી એકેડમીમાં 16 વર્ષીય સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. આ મામલે ભરૂચ A ડિવિઝન પોલીસ મથકમાં આરોપી કબીર સૈયદ (Kabir Saiyad) વિરુદ્ધ બળાત્કાર, પોક્સો (POCSO Act), અપહરણ અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરવામાં આવી છે.
સેમિનારના બહાને સંપર્કમાં આવ્યો હોવાનો આક્ષેપ

પોલીસ ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપ મુજબ, આરોપી કબીર સૈયદ અગાઉ એક સેમિનારના બહાને 16 વર્ષીય સગીરાના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ તેણે સગીરા સાથે પરિચય વધારી તેનો ગેરલાભ ઉઠાવ્યો હતો. ફરિયાદ અનુસાર, ચાવજ ગામ નજીક આવેલા ધર્મનંદન કોમ્પ્લેક્સ સ્થિત ‘ટેલેન્ટ પુલ એકેડમી’માં સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. શૈક્ષણિક સંસ્થા જેવી જગ્યાએ આ પ્રકારની ઘટના બની હોવાના આક્ષેપથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
પોલીસની કાર્યવાહી અને ઘટનાસ્થળનું પંચનામું
સગીરાની ફરિયાદના આધારે ભરૂચ A ડિવિઝન પોલીસે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને DYSP અનિલ સીસારા સહિતની પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે ધર્મનંદન કોમ્પ્લેક્સ સ્થિત ટેલેન્ટ પુલ એકેડમી ખાતે સ્થળ તપાસ કરી પંચનામું કર્યું હતું અને જરૂરી પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરી છે.
હાલ પોલીસ દ્વારા આ સમગ્ર પ્રકરણમાં આરોપીની ધરપકડ કરવા તેમજ સેમિનારના બહાને થયેલા સંપર્કથી લઈને દુષ્કર્મ સુધીની ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ, તે દિશામાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.






