ભરૂચ સ્થિત પાંજરાપોળ ખાતે તારીખ ૨૧/૧૧/૨૦૨૬, શનિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે પ્રથમવાર અત્યંત ભક્તિભાવ અને ધામધૂમપૂર્વક ‘તુલસી વિવાહ’ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામજી અને તુલસી માતાના શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે લગ્ન સંપન્ન થયા હતા, જેના દર્શનનો લાભ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને જીવદયા પ્રેમીઓએ લીધો હતો.
પાંજરાપોળના પરિસરમાં પ્રથમ વખત યોજાયેલા આ ધાર્મિક પ્રસંગને લઈને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.સવારથી જ લગ્ન પ્રસંગને અનુરૂપ સુંદર શણગાર કરવામાં આવ્યો હતો અને પરંપરાગત લગ્ન ગીતો તથા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે શાલિગ્રામજી અને તુલસીજીના ફેરા ફેરવવામાં આવ્યા હતા. અબોલ જીવોની સેવા સાથે ધર્મ અને સંસ્કૃતિના સમન્વય સમાન આ કાર્યક્રમે ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા અને બિપિનભાઈ ભટ્ટે વિશેષ સહયોગ આપ્યો હતો. તેમના સતત માર્ગદર્શન, મહેનત અને સક્રિય સહકારથી આ ઐતિહાસિક કાર્યક્રમ સુપેરે પાર પડ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ ભક્તજનોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.






