દેડિયાપાડાની ધામણ ખાડી ઉપર બનાવવામાં આવેલા નવા પુલના છેડે મોટું ગાબડું અને કોતર સર્જાતાં વાહનચાલકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગત ચોમાસા દરમિયાન પુલના છેડે માટી બેસી જતાં સર્જાયેલું ગાબડું આજે પણ યથાવત્ રહેતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. પુલ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થતી હોવા છતાં જોખમી સ્થળનું સમારકામ કેમ કરવામાં આવ્યું નથી? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે?

પુલના છેડે પડેલું મોટું કોતર અને બાકોરું વાહનચાલકો માટે અકસ્માતનું ખુલ્લું નિમંત્રણ બની રહ્યું છે. ખાસ કરીને રાત્રિના અંધકારમાં આ ગાબડું નજરે ન પડે તો વાહનચાલકનું સંતુલન ખોરવાઈ ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. બે પૈડાંવાળા વાહનચાલકો માટે તો આ સ્થિતિ વધુ જોખમી બની શકે તેમ છે. આશ્ચર્યની વાત એ છે કે જોખમ નજર સામે હોવા છતાં આજદિન સુધી કાયમી સમારકામ કરવામાં આવ્યું હોવાની સ્થિતિ જોવા મળતી નથી.

સ્થાનિક લોકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક સ્થળ તપાસ કરી ગાબડાનું મજબૂત સમારકામ કરાવે, ત્યાં સુધી અકસ્માત નિવારવા ચેતવણી બોર્ડ, બેરિકેડ અને રાત્રિ દરમિયાન પ્રકાશની વ્યવસ્થા કરે. માત્ર કાગળ પર કામગીરી બતાવવાને બદલે સ્થળ પર વાસ્તવિક કામગીરી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

ધામણ ખાડી ઉપરનો જૂનો પુલ અંદાજે ૧૫ વર્ષથી બંધ હાલતમાં હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જૂના પુલની જગ્યાએ નવો અને મજબૂત પુલ બનાવવાની માંગ વર્ષોથી કરવામાં આવી રહી છે, પરંતુ આ માંગ હજુ સુધી સંતોષાઈ નથી. દેડિયાપાડા, ચિકદા, સાગબારા તેમજ મહારાષ્ટ્ર તરફથી નેત્રંગ, રાજપીપળા અને સુરત તરફ અવરજવર કરતા વાહનચાલકોને હાલના માર્ગ પર નિર્ભર રહેવું પડે છે. જૂના પુલનો પ્રશ્ન વર્ષોથી પડતર હોવા છતાં કાયમી ઉકેલ કેમ લાવવામાં આવતો નથી તે મોટો સવાલ છે.

ધામણ ખાડીના નવા પુલ પરથી સતત ભારદારી વાહનોની અવરજવર થતી હોવાથી પુલના છેડે માટી બેસી જવાની ઘટના વધુ ચિંતાજનક બની છે. આગામી ચોમાસા પહેલાં પુલની તકનીકી તપાસ કરાવી તેની મજબૂતી અને સલામતીનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. જો સમયસર સમારકામ અને સુરક્ષાનાં પગલાં નહીં લેવાય તો ભવિષ્યમાં મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. સવાલ એ છે કે તંત્ર માત્ર ગાબડું પૂરશે કે પુલની સમગ્ર સ્થિતિની પણ તપાસ કરાવશે?તકનીકી તપાસ તથા નવા પુલ અંગે નક્કર નિર્ણય લે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here