ભરૂચના નેશનલ હાઈવે-48 પર લુવારા નજીક ગત રાત્રે હજીરાથી રનોલી તરફ જઈ રહેલા એક ટેન્કરમાં અચાનક આગ લાગતાં હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાલુ માર્ગે ટેન્કરમાં આગ ભભૂકતાં વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે, ટેન્કરચાલકની સમયસૂચકતા અને એક કારચાલક સહિત નજીકના પેટ્રોલ પંપના કર્મચારીઓની મદદને કારણે આગ વધુ વિકરાળ બનતી અટકી હતી અને સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી.
મળતી માહિતી મુજબ, ટેન્કર હજીરાથી રનોલી તરફ જઈ રહ્યું હતું ત્યારે લુવારા નજીક અચાનક તેમાં આગ લાગી હતી. આગની ગંભીરતા સમજી ટેન્કરચાલકે તાત્કાલિક વાહન રસ્તા પર ઊભું રાખ્યું હતું. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક કારચાલકે માનવતાનું ઉદાહરણ પૂરું પાડતાં આગ કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. નજીકમાં આવેલા જીઓ પેટ્રોલ પંપના કર્મચારીઓ પણ મદદ માટે દોડી આવ્યા હતા.
કારચાલક અને પેટ્રોલ પંપના કર્મચારીઓના પ્રયાસોથી આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. જોકે, હાઈવે જેવા વ્યસ્ત માર્ગ પર ટેન્કરમાં આગ લાગવાની ઘટના વાહનોની સુરક્ષા અને માર્ગ પરની જોખમી પરિસ્થિતિ અંગે ગંભીર સવાલો ઊભા કરે છે. સદનસીબે ટેન્કરચાલકની સમયસૂચકતા અને સ્થાનિક લોકોની તાત્કાલિક મદદથી મોટી જાનહાનિ કે દુર્ઘટના સર્જાતી અટકી હતી. પરંતુ જો આગ પર સમયસર કાબૂ મેળવવામાં ન આવ્યો હોત તો હાઈવે પર ગંભીર પરિણામો આવી શક્યાં હોત. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે મુશ્કેલીના સમયે તંત્રની રાહ જોયા વિના સામાન્ય નાગરિકોની સતર્કતા અને માનવતા પણ મોટી દુર્ઘટના ટાળી શકે છે.





