નર્મદા જિલ્લાના ચિકદા તાલુકાના શંભુનગરથી કાકરપાડા તરફ જતા માર્ગ પર શંભુનગર ગામના સ્મશાન પાસે આવેલા નાળા નજીક રસ્તાનો ભાગ ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે ધોવાઈ જતાં વાહનચાલકો માટે જોખમરૂપ બની ગયો છે. રસ્તો ધોવાઈ જવાથી અહીં જોખમી સ્થિતિ ઊભી થઈ છે, તેમ છતાં આજદિન સુધી સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય મરામતની કામગીરી હાથ ધરવામાં આવી નથી.

આ માર્ગ પરથી દિવસ-રાત અનેક વાહનચાલકો અવરજવર કરે છે. ખાસ કરીને નાળા પાસે રસ્તાનો ભાગ ધોવાઈ જતાં વાહનચાલકો માટે અહીંથી પસાર થવું જોખમભર્યું બન્યું છે. દિવસ દરમિયાન તો કોઈક રીતે પરિસ્થિતિનો અંદાજ આવી શકે છે, પરંતુ રાત્રિના અંધકારમાં ધોવાયેલા રસ્તાનો ખ્યાલ ન આવે તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. ગમે ત્યારે મોટી જાનહાનિ થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

સૌથી ગંભીર બાબત એ છે કે ચોમાસા દરમિયાન રસ્તો ધોવાઈ ગયો હોવા છતાં જવાબદાર વિભાગ દ્વારા આજદિન સુધી કાયમી કે યોગ્ય મરામત કેમ કરવામાં આવી નથી? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે? શું કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય ત્યારબાદ જ અધિકારીઓની ઊંઘ ઊડશે?

સરકારી તંત્ર દ્વારા માર્ગોની સુરક્ષા અને જાળવણી માટે જવાબદારી નિભાવવાની હોય છે, ત્યારે શંભુનગર સ્મશાન પાસે નાળા નજીક સર્જાયેલી જોખમી સ્થિતિ તાત્કાલિક ધ્યાનમાં લેવી જરૂરી છે. માત્ર નિરીક્ષણ કે આશ્વાસન પૂરતું નથી, પરંતુ સ્થળ પર તાત્કાલિક સુરક્ષાનાં પગલાં સાથે રસ્તાની યોગ્ય મરામત કરવી અનિવાર્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here