ભરૂચ જિલ્લાના માતર ગામે પીએમ કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો, ગ્રામજનો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લાઈવ સંબોધન ટીવી સ્ક્રીનના માધ્યમથી પ્રસારિત કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત ખેડૂતોએ નિહાળ્યું હતું. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશભરના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોને 24મા હપ્તા પેટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે રૂ.18,680 કરોડથી વધુની આર્થિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જ્યારે ગુજરાત રાજ્યના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ.1,051 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી. આ યોજના દ્વારા ખેડૂતોને ખેતીલક્ષી જરૂરિયાતો પૂર્ણ કરવામાં અને આર્થિક રીતે વધુ સક્ષમ બનવામાં મદદ મળી રહી છે. માતર ગામે યોજાયેલા આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન વિમલભાઈ પટેલના હસ્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઉપસ્થિત ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હેતુ, તેના લાભો અને ખેડૂતોના જીવનમાં આર્થિક સહાયના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
સરકાર દ્વારા ખેડૂતોને સીધી આર્થિક સહાય પહોંચાડવા માટે અમલમાં મૂકવામાં આવેલી આ યોજનાનો વધુમાં વધુ ખેડૂતો લાભ લે તે અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં માતર ગામના સરપંચ ઇરફાન પટેલ, જિલ્લા ભાજપ મંત્રી વિરજસિંહ રાજ, માજી તાલુકા પંચાયત પ્રમુખ મહિપાલસિંહ ચૌહાણ, માજી તાલુકા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તાલુકા પંચાયતના કર્મચારીઓ, વિસ્તરણ અધિકારી ખેતી, ગ્રામ સેવકશ્રીઓ, તલાટી કમ મંત્રીઓ, મોટી સંખ્યામાં ખેડૂતો તથા ગ્રામજનોએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.
ખેડૂતો દેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે ત્યારે તેમને આર્થિક રીતે મજબૂત બનાવવા, ખેતીના ખર્ચમાં સહાયરૂપ થવા અને સરકારી યોજનાઓનો લાભ સીધો તેમના સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે યોજાયેલા પીએમ કિસાન ઉત્સવ દિવસના કાર્યક્રમમાં ખેડૂતોનો ઉત્સાહભેર સહભાગ જોવા મળ્યો હતો. માતર ગામે યોજાયેલા આ કાર્યક્રમના માધ્યમથી ખેડૂતોને સરકારી યોજનાઓ અંગે જાગૃત કરવાની સાથે ખેતી ક્ષેત્રના વિકાસ અને ખેડૂત કલ્યાણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.





