ભરૂચ તાલુકાના શેરપુરા ગામ નજીકથી પસાર થતા NH-64 (SH-6)ના બાંધકામને લઈને સ્થાનિક ગ્રામજનોએ વિવિધ જાહેર હિતના પ્રશ્નો ઉઠાવ્યા છે. હાઇવેના નિર્માણ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા, વરસાદી પાણીના નિકાલ અને કબ્રસ્તાન સુધીની અવરજવર માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરી માંગ કરી હતી.

ગ્રામજનો દ્વારા પોતાની વેદના રૂપી આવેદનપત્રમાં જણાવ્યું હતું કે શેરપુરા-ડુંગરી માર્ગ ગામ અને આસપાસની સોસાયટીઓ માટે અવરજવરનો મહત્ત્વપૂર્ણ માર્ગ છે. આ માર્ગ પર સુરક્ષિત અંડરપાસની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો શાળાએ જતા બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને પગપાળા અને સાયકલથી શાળાએ જતા વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ગ્રામજનોએ ચિંતા વ્યક્ત કરી હતી. ગ્રામજનોના અંદાજ મુજબ, આશરે 300થી વધુ વિદ્યાર્થીઓ આ માર્ગનો ઉપયોગ કરે છે. જો સીધો માર્ગ બંધ થાય તો વિદ્યાર્થીઓને વૈકલ્પિક માર્ગે જવા માટે બે થી ત્રણ કિલોમીટરનો વધારાનો ચક્કર લગાવવો પડી શકે છે. આથી વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને હાઇવે પર યોગ્ય અંડરપાસ બનાવવાની માંગ કરવામાં આવી છે.

હાઇવેના બાંધકામને કારણે ગામમાં વરસાદી પાણીના કુદરતી નિકાલમાં અવરોધ ઊભો ન થાય તે માટે પણ ગ્રામજનોએ રજૂઆત કરી હતી. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય તે માટે જરૂરી ડ્રેનેજ અને કલ્વર્ટની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, બાંધકામ દરમિયાન પાણીના કુદરતી વહેણને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે. આથી હાઇવેની ડિઝાઇનમાં સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને જરૂરી ફેરફારો કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

શેરપુરા ગામથી કબ્રસ્તાન સુધીના વર્ષો જૂના માર્ગની સીધી અને સલામત પહોંચ જળવાઈ રહે તે માટે પણ ગ્રામજનોએ રજૂઆત કરી હતી. હાઇવેના બાંધકામને કારણે આ માર્ગ બંધ થાય તો મૈયત-જનાજા તેમજ ધાર્મિક પ્રસંગો દરમિયાન અવરજવરમાં મુશ્કેલી સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આથી કબ્રસ્તાન સુધીનો જૂનો માર્ગ જળવાઈ રહે અથવા તેના વિકલ્પ તરીકે કાયમી અને સુરક્ષિત માર્ગની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને સંબંધિત હાઇવે અધિકારીઓ અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓની હાજરીમાં સંયુક્ત સ્થળ તપાસ કરાવવા રજૂઆત કરી હતી. સાથે જ રોડ સેફ્ટી ઓડિટ હાથ ધરી સ્થાનિક લોકોની જરૂરિયાતો મુજબ હાઇવેના બાંધકામની ડિઝાઇનમાં જરૂરી સુધારા કરવામાં આવે તેવી માંગ કરી હતી. ગ્રામજનોએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ હાઇવેના વિકાસના વિરોધમાં નથી, પરંતુ ગામના લોકોની સુરક્ષા, સુવિધા અને અવરજવરને ધ્યાનમાં રાખીને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.

હાઇવેના બાંધકામને લઈને ગ્રામજનોએ કરેલી રજૂઆત બાદ હવે જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત હાઇવે વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગણીઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનાત્મક કાર્યક્રમો યોજવાની સાથે કોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવશેની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here