સુરતમાં ઓનલાઈન છેતરપિંડીના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઈમ પોલીસે આંતરરાષ્ટ્રીય ગેંગના બે શખ્સોની ધરપકડ કરીને આશરે ₹110 કરોડની છેતરપિંડીનો ખુલાસો કર્યો છે. ટેકનિકલ સર્વેલન્સના આધારે સિવિલ ચાર રસ્તા પાસેથી બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

આરોપીઓ શેર ટ્રેડિંગમાં ઊંચા નફાની લાલચ આપીને બોગસ એપ્લિકેશન દ્વારા લોકો સાથે છેતરપિંડી આચરતા હતા. એક ફરિયાદી પાસેથી આરોપીઓએ ₹23.28 લાખની છેતરપિંડી કરી હતી. આ કૌભાંડમાં મુખ્ય આરોપી અબ્દુલ રહેમાન સન ઓફ મોહમ્મદ હસીન આકુકારા (23, રાંદેર નિવાસી) છે, જે લિથુઆનિયાની કોનાસ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીમાં સિવિલ એન્જિનિયરિંગના બીજા વર્ષનો વિદ્યાર્થી છે. તે દુબઈથી ઓપરેટ થતી ચાઈનીઝ ગેંગ માટે કામ કરે છે અને મનસુરી ડિજિટલ ટ્રેડિંગ દ્વારા ચાલતા આ સાયબર ક્રાઈમનો માસ્ટરમાઈન્ડ છે.
છેતરપિંડીના નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને વિદેશમાં મોકલવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી 16 મોબાઈલ ફોન, 47 ડેબિટ કાર્ડ અને 96 મ્યુલ એકાઉન્ટ કબજે કર્યા છે. આ આરોપીઓ સામે દેશભરમાં કુલ 338 જેટલી ફરિયાદો નોંધાયેલી છે.





