દિવાળીના પાવન પર્વ નિમિત્તે ગરીબ અને શ્રમિક પરિવારોની આર્થિક જરૂરિયાતોને ધ્યાને રાખીને ભરૂચની નામાંકિત સંસ્થા ધી હરસિદ્ધિ કો-ઓપરેટિવ ક્રેડીટ સોસાયટી લિમિટેડ દ્વારા એક સરાહનીય લોકઉપયોગી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટી દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ચાલુ વર્ષે ૨૪ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ ૨૧મો દીપાવલી ધિરાણ વિતરણ કાર્યક્રમ ખૂબ જ સાદગીપૂર્ણ માહોલમાં યોજાયો હતો.
આ આયોજન હેઠળ ભરૂચ શહેરના વિવિધ સ્લમ (ઝૂંપડપટ્ટી) અને શ્રમિક વિસ્તારો જેવા કે ઝાડેશ્વર, પાટણવાડીયા ફળીયા, દુબઈ ટેકરી, મકતમપુર, બોરભાઠા, દૂધધારા ડેરી ઝૂંપડપટ્ટી, ભોલાવ, સોનતલાવડી, ધોળીકુઇ, ચકલા, લીમડી ચોક, ગોકૂલનગર અને સંતોષી વસાહત સહિતના વિસ્તારોને આવરી લેવાયા હતા. આ વિસ્તારોમાં કાર્યરત કુલ ૭૫ મંડળોના આશરે ૩૦૦ જેટલા જરૂરિયાતમંદ લાભાર્થીઓને કુલ રૂ. ૫૬ લાખ ૩૦ હજારનું ધિરાણ (લોન) વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી તેઓ પોતાનો દીપાવલીનો તહેવાર આનંદ-ઉલ્લાસથી ઉજવી શકે.
આ પ્રસંગે ભરૂચના લોકપ્રિય ધારાસભ્ય (MLA) રમેશભાઈ મિસ્ત્રી, સંસ્થાના ડિરેક્ટર અને અગ્રણી એડવોકેટ સુરેશભાઈ તેમજ ધી હરસિદ્ધિ કો-ઓ. ક્રેડીટ સોસાયટી લી.ના ચેરમેન ખુમાનસિંહ વાંસિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ધિરાણના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને સંસ્થાના પદાધિકારીઓએ સ્લમ વિસ્તારના પરિવારોને દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી તેમના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે તેવી કામના કરી હતી. સંસ્થાના આ સેવાયજ્ઞને સ્થાનિકોએ બિરદાવ્યો હતો.





