ભરૂચ જિલ્લાના ઝઘડિયા માંથી પસાર થતા ઝઘડિયા-વાલિયા સ્ટેટ હાઈવે પર વંઠેવાડ ગામની સીમમાં નવનિર્મિત માર્ગ પર કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલા અણઘડ અને ગેરકાયદેસર ગતિ અવરોધકો (બમ્પ) વાહનચાલકો તેમજ મુસાફરો માટે ધાતક સાબિત થઈ રહ્યા છે.

જેમાં માર્ગ અને મકાન વિભાગના નિર્ધારિત ઇજનેરી માપદંડો, ચોક્કસ ઢાળ, ચેતવણી દર્શાવતા સાઇન બોર્ડ કે રેડિયમ રિફ્લેક્ટર લગાવ્યા વિના જ માર્ગ પર આડેધડ અને અસામાન્ય ઊંચાઈ ધરાવતા બમ્પ ખડકી દેવામાં આવતાં ખાસ કરીને રાત્રિના અંધકારમાં અને વહેલી સવારે પૂરપાટ ઝડપે દોડતાં વાહનો જોરદાર ઝટકા સાથે નીચેથી અથડાઈ રહ્યા છે, જેના કારણે 4 વ્હીલર, એમ્બ્યુલન્સ અને નાના વાહનોના ચેસીસ, એક્સેલ તેમજ ઓઇલ ચેમ્બર તૂટી જતાં વાહનમાલિકોને હજારો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

નિયમ મુજબ માર્ગ નિર્માણ સમયે વાહનચાલકોની સલામતી પ્રથમ અગ્રતા હોવી જોઈએ, પરંતુ અહીં માર્ગ નિર્માણ કરનાર કોન્ટ્રાક્ટર અને સમગ્ર કામગીરી પર નજર રાખવામાં નિષ્ફળ રહેલા જવાબદાર સરકારી ઇજનેરોની ગુનાહિત બેદરકારી સ્પષ્ટપણે છતી થઈ છે.

વાહનો ક્ષતિગ્રસ્ત થવા ઉપરાંત પીઠના દુખાવા અને ગંભીર અકસ્માતની ભીતિ સર્જાતાં સ્થાનિક ગ્રામજનો અને નિયમિત અપડાઉન કરતા વાહનચાલકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે.

આ ભ્રષ્ટ અને અણઘડ કામગીરીની તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે, જોખમી બમ્પને દૂર કરી વૈજ્ઞાનિક ઢબે રિપેર કરવામાં આવે, બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કડક કાનૂની કાર્યવાહી કરી તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને નુકસાનગ્રસ્ત વાહનમાલિકોને થયેલા નુકસાનનું યોગ્ય વળતર તાકીદે ચૂકવવામાં આવેની લોકો હવે માંગ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here