અંકલેશ્વરમાં મહાવીર ટર્નિંગ પાસે આવેલા સિગ્નેચર ગેલેરીયા કોમ્પ્લેક્સમાં બે યુવાનો વચ્ચે જાહેરમાં મારામારીની એક ઘટના સામે આવી છે. ૨ યુવાનોએ એકબીજા સાથે છૂટા હાથે મારામારી કરી હતી. આ ઘટનાના દૃશ્યો એક રાહદારીએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા, જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર ઘટના ટોક ઓફ ધટાઇઉન બની હતી. કોમ્પ્લેક્સના વેપારીઓ અને ત્યાંથી પસાર થતા રાહદારીઓમાં પણ થોડા સમય માટે તો ભયનો માહોલ સર્જાયો હતો.

જાહેરમાં થયેલી મારામારીની ઘટનાને ગંભીરતાથી લઈને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને કોમ્પ્લેક્સના CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મારામારીની ઘટનામાં સંડોવાયેલા શખ્સોને ઓળખી કાઢવામાં આવ્યા હતા. પોલીસે ભોગ બનનારને શોધી તેની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરી હતી.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં અંકલેશ્વરમાં ગડખોલ પાટિયા પાસે વિજયનગરમાં રહેતા જગદંબા રામજશ પ્રસાદ અને અંકલેશ્વરમાં સારંગપુરના મીરાનગરની ક્રિષ્ના સોસાયટીમાં રહેતા વાસુરામ વક્તાજી દવેની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે બંને પક્ષો વચ્ચે અંગત અદાવત અને જૂની બાબતોને લઈને ઝઘડો થયો હોવાનું સામે આવ્યું હતું.
જાહેર સ્થળે મારામારી કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અસર પહોંચાડતા પોલીસે બંને શખ્સો પાસે જાહેરમાં માફી મંગાવી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની આ કાર્યવાહીથી જાહેરમાં શાંતિ જાળવવા અને આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.





