અંકલેશ્વર રૂરલ પોલીસે ગાંજાના જથ્થા સાથે એક આરોપીને પકડ્યો છે. પોલીસે આરોપી પાસેથી કુલ 77,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, અંકલેશ્વર શહેરના હેપ્પી નગરમાં રહેતા અલ્તાફ હુસૈન ઇસરાફીલ શાહે આર્થિક લાભ મેળવવા માટે સુરતના અશ્વિનીકુમાર રોડ, રેલવે પટરી વિસ્તારમાં રહેતા શૈલેશભાઈ પાસેથી ગાંજાનો જથ્થો મેળવ્યો હતો. આ ગાંજાની રૂ.50 અને રૂ.100ની નાની પડીકીઓ બનાવી ગ્રાહકોને છૂટક વેચવાના ઇરાદે તે પોતાની કાળા-લાલ રંગની મોપેડની ડિકીમાં ગાંજો રાખીને અંકલેશ્વરથી પાનોલી તરફ જઈ રહ્યો હતો.મળેલી બાતમીના આધારે પોલીસે પીરામણ ગામના હેપ્પી નગર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. અહીંથી અલ્તાફ હુશૈન ઈસરાફીલ હુશૈન શાહ (ઉં.વ. 39) નામના વ્યક્તિની મોપેડની ડિકીમાંથી 250 ગ્રામ ગાંજો મળ્યો હતો.પોલીસે તેની પાસેથી 250 ગ્રામ ગાંજો, જેની કિંમત રૂ.12,500 થાય છે, તેમજ પારદર્શક પ્લાસ્ટિકના ડબ્બામાં રાખેલી 143 નાની થેલીઓ મળી આવી હતી. આ ઉપરાંત રૂ.60,000ની મોપેડ અને રૂ.5,000નો સેમસંગ ગેલેક્સી A14 મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસે ગાંજો, મોપેડ અને મોબાઈલ સહિત કુલ રૂ.77,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગુનામાં સુરતના અશ્વિનીકુમાર રોડ, રેલવે પાટા નજીક રહેતા શૈલેશભાઈ ગાંજાનો જથ્થો પૂરો પાડનાર હોવાનું સામે આવતાં પોલીસે તેને ઝડપી પાડવા સહિતની વધુ તપાસ હાથ ધરી છે.





