અંકલેશ્વર GIDCની ફીકોમ ચોકડી પાસે જાહેર માર્ગ પર કલરયુક્ત પાવડર ઢોળાઈ જવાની ઘટના સામે આવતાં ઔદ્યોગિક વિસ્તારમાં જોખમી મટીરીયલના પરિવહન અને સલામતીના નિયમોના પાલન સામે ગંભીર સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ, છોટા હાથી ટેમ્પો નંબર GJ-16-AU-0560માં આ મટીરીયલ લઈ જવામાં આવી રહ્યું હતું. દરમિયાન મટીરીયલ ભરેલી એક બેગ રસ્તા પર પડી જતાં માર્ગ પર ભૂરા રંગનો પાવડર ફેલાઈ ગયો હતો. પરિણામે જાહેર માર્ગ જાણે ભૂરા રંગથી રંગાઈ ગયો હોય તેવું દૃશ્ય સર્જાયું હતું. બેગ પર COPPER PHTHALO CYANINE લખેલું હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ મટીરીયલ ગણેશ પીગમેન્ટ નામની કંપનીમાંથી લઈ જવાતું હોવાની માહિતી જાળવા મળી હતી. ઘટનાની જાણ થતાં કંપનીના સત્તાધીશો સ્થળ પર દોડી આવ્યા હતા. અને રસ્તા પર ફેલાયેલા પાવડરને સમેટવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, પાવડર સમેટી બેગમાં હાથમાં હેન્ડ ગ્લવ્ઝ ન હોતા, પગમાં સેફ્ટી શૂઝ ન હોતાં અને ચહેરા પર માસ્ક પણ જોવા મળ્યાં ન હોતાં. જો પદાર્થની ઓળખ અને તેની સુરક્ષા સંબંધિત વિગતો સ્પષ્ટ ન હોય, તો યોગ્ય સુરક્ષા સાધનો વિના તેની સફાઈ કરાવવી કામદારોના સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે.
તો બીજી તરફ, મટીરીયલ લઈ જતો ટેમ્પો પણ ગંભીર સવાલોના ઘેરામાં છે. ટેમ્પોના પાછળના ભાગે યોગ્ય રીતે તાડપત્રી ઢાંકવામાં આવી ન હોવાની અને મટીરીયલને સુરક્ષિત રીતે બાંધીને લઈ જવામાં ન આવતું હોવાની માહિતી છે.ઔદ્યોગિક વિસ્તારના જાહેર માર્ગો પર દરરોજ અનેક વાહનો અને લોકોની અવરજવર રહેતી હોય છે. આવી સ્થિતિમાં મટીરીયલ ઢોળાવાની ઘટના માત્ર વાહનચાલક કે સંબંધિત કંપની પૂરતી મર્યાદિત રહેતી નથી, પરંતુ જાહેર સલામતી સાથે જોડાયેલો મુદ્દો બની જાય છે. હવે સૌથી મોટો સવાલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સામે ઊભો થયો છે. શું GPCB ઘટના સ્થળેથી પાવડરના સેમ્પલ લઈને તેની વૈજ્ઞાનિક તપાસ કરાવશે? પદાર્થની ચોક્કસ ઓળખ, તેની સલામતી સંબંધિત વિગતો અને જાહેર માર્ગ પર ફેલાવાથી ઊભા થઈ શકતા જોખમોની તપાસ કરવામાં આવશે કે પછી પાવડર સમેટીને રસ્તો સાફ કરી દેવાયો એટલે મામલો પૂરો માની લેવામાં આવશે?





