ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામમાં રૂ. 3 કરોડ અને 60 લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલા વિવિધ વિકાસકામોનું વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

લોકાર્પણ કરવામાં આવેલા વિકાસકામોમાં GNFCના અનુદાનથી રૂ. 2.84 કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), રૂ. 27 લાખના ખર્ચે નિર્માણ પામેલી ત્રણ નવી આંગણવાડીઓ અને 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂ. 11 લાખના ખર્ચે તૈયાર કરાયેલો પંચાયત મીટિંગ હોલનો સમાવેશ થાય છે.આ ઉપરાંત પરિક્રમાવાસીઓની સુવિધા માટે રામજી મંદિરે રૂ. 13 લાખના ખર્ચે શેડ અને પેવર બ્લોક, ગામમાં રૂ. 15 લાખના ખર્ચે પેવર બ્લોક તેમજ ગામના પ્રવેશદ્વારની સુંદરતામાં વધારો કરવા રૂ. 9 લાખના ખર્ચે ડેકોરેટિવ લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.લોકાર્પણ પ્રસંગે મહાનુભાવોએ નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ત્રી વોર્ડ અને લેબોરેટરીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ તબીબી સાધનોનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, ગામના સરપંચ, બાંધકામ સમિતિના ચેરમેન, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





