ભરૂચમાં બાળમજૂરી નાબૂદી માટે શ્રમ વિભાગની ટીમે હાથ ધરેલી કાર્યવાહીમાં એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં ભરૂચ નગરપાલિકાના સત્તાવાર વર્ક ઓર્ડર હેઠળ સ્ટેશન રોડ પર સિટી સેન્ટર સામે ચાલી રહેલા સિવિલ કામમાંથી એક ૧૩ વર્ષના નિર્દોષ બાળકને બાળશ્રમિક તરીકે કામ કરતો ઝડપી પાડી મુક્ત કરાવવામાં આવ્યો છે.

સરકારી કામમાં જ બાળમજૂરી થતી હોવાની આ ઘટનાને પગલે શ્રમ અધિકારીએ બેદરકાર કોન્ટ્રાક્ટર સામે એ ડિવિઝન પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આ કામગીરી માટે ભરૂચ નગરપાલિકા દ્વારા ગત ૩૦ માર્ચ, ૨૦૨૬ ના રોજ કોન્ટ્રાક્ટર કૌશલ દેવીદાસ હરપલાણી (રહે. હનીપાર્ક રોડ, અડાજણ, સુરત) ને સત્તાવાર વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. રેડ દરમિયાન ઘટનાસ્થળે કોન્ટ્રાક્ટરના જવાબદાર વ્યક્તિ તરીકે સુપરવાઇઝર ધામત હાર્દિક કિરણ હાજર હોવાનું પણ નોંધવામાં આવ્યું હતું.

ઉલ્લેખ્નીય છે કે,કાયદામાં જોગવાઇ અનુસાર ૧૪ વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ બાળક પાસે કોઈપણ પ્રકારની મજૂરી કે જોખમી કામ કરાવી શકાતું નથી.બાળશ્રમિક પાસે કામ કરાવતા પકડાયેલા માલિક કે કોન્ટ્રાક્ટરને છ મહિનાથી લઈને બે વર્ષ સુધીની સખ્ત જેલની સજા થઈ શકે છે. ગુનેગારને રૂ. ૨૦ હજારથી લઈને રૂ. ૫૦ હજાર સુધીનો આર્થિક દંડ ફટકારવાની કાયદામાં કડક જોગવાઈ છે.જો કોઈ વ્યક્તિ બીજી વાર બાળમજૂરી કરાવતા પકડાય, તો તેને ઓછામાં ઓછી ૧ વર્ષથી લઈને ૩ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here