ઉમરપાડા અને સાગબારા વિસ્તારમાં જંગલ જમીનના મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદ પ્રભુ વસાવાનું મોટું અને મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
સાંસદ પ્રભુ વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે બીજા જિલ્લામાં જમીન માંગવી યોગ્ય નથી. જે જિલ્લાના લોકોનો જમીનનો પ્રશ્ન છે, તેમણે પોતાના જિલ્લામાં જ જંગલ જમીનની માંગ કરવી જોઈએ.
ખાસ કરીને સુરત જિલ્લાના ખેડૂતો પોતાની જમીન આપવા તૈયાર નથી, ત્યારે અન્ય જિલ્લામાં જમીન મેળવવા માટેનો પ્રયાસ યોગ્ય નથી તેવી વાત સાંસદે કરી છે.
આ સમગ્ર મામલે સૌથી મહત્વની બાબત એ છે કે જમીનના પ્રશ્નને લઈને એક આદિવાસી સમાજનો બીજા આદિવાસી સમાજ સાથે ઘર્ષણ ન થાય. આદિવાસી-આદિવાસી વચ્ચે વિવાદ ઊભો થાય તેવી સ્થિતિ કોઈના હિતમાં નથી.સાંસદ પ્રભુ વસાવાએ આ પ્રકારના સંભવિત ઘર્ષણને ટાળવા માટે અપીલ કરતા કહ્યું છે કે જમીનનો પ્રશ્ન સરકાર સમક્ષ કાયદેસર રીતે ઉકેલવો જોઈએ, પરંતુ તેના કારણે એક જિલ્લાના આદિવાસીઓ અને બીજા જિલ્લાના આદિવાસીઓ આમને-સામને આવે તેવી સ્થિતિ ઊભી ન થવી જોઈએ.
હવે સવાલ એ છે કે ખોપી જંગલ જમીન મુદ્દે સરકાર શું નિર્ણય લે છે? શું સરકાર પોતાના જિલ્લામાં જ જમીન આપવાની દિશામાં કાર્યવાહી કરશે? અને સૌથી મોટો પ્રશ્ન—જંગલ જમીનના મુદ્દે વર્ષોથી ચાલી રહેલા વિવાદનો કાયમી ઉકેલ ક્યારે આવશે? એક તરફ જમીન માટેની માંગ ઉગ્ર બની રહી છે, તો બીજી તરફ આદિવાસી સમાજમાં જ ઘર્ષણની સ્થિતિ ઊભી ન થાય તે માટે સાંસદની અપીલને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, હવે નજર સરકારના આગામી નિર્ણય પર છે.





