વિકાસના નામે ખેતીની કિંમતી જમીનો આપી ચૂકેલા વાગરા તાલુકાના સુવા અને અંભેટા ગામના અસરગ્રસ્ત ખેડૂતોનો આક્રોશ આખરે ફાટી નીકળ્યો છે. જમીન સંપાદન વખતે સર્વે નંબર દીઠ કાયમી નોકરી આપવાના વચનને દોઢ દાયકો વીતવા છતાં કંપની કે તંત્રએ ક્યારેય પાળ્યું નથી.

રોષે ભરાયેલા ખેડૂતોએ આજે ઓપાલ કંપનીના ગેટ નંબર-1 બહાર મોરચો માંડ્યો હતો. ધરણાં દરમિયાન પોલીસે મંડપ બાંધવા પર રોક લગાવતાં માહોલ ગરમાયો હતો. ખેડૂતો પોલીસના વલણ સામે ઝૂક્યા વિના રહ્યા. કાળઝાળ ગરમીમાં, બળબળતા તડકામાં પણ ખુલ્લા આકાશ નીચે જમીન પર બેસી રહ્યા હતા.


ગ્રામજનોનો સ્પષ્ટ આક્ષેપ છે કે 15 વર્ષ પહેલાં વહીવટી તંત્ર અને જીઆઈડીસીની હાજરીમાં લેખિત બાંહેધરી અપાઈ હતી. છતાં કંપની મેનેજમેન્ટ આંખ આડા કાન કરી રહ્યું છે. ખેતી છીનવાઈ ગઈ. રોજગારી પણ ન મળી.
તેથી પરિવારોનું અસ્તિત્વ જોખમમાં મૂકાયું છે. અસરગ્રસ્તોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમના વારસદારોને કાયમી નોકરી આપવા અંગે સમયબદ્ધ નિર્ણય નહીં લેવાય, તો આંદોલન વધુ ઉગ્ર બનશે.

કાયમી રોજગારના પ્રશ્ને ન્યાયસંગત, સ્વીકાર્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી લોકશાહી ઢબે અહિંસક લડત ચાલુ રાખવામાં આવશે.
અસરગ્રસ્ત પરિવારોની સ્થિતિ ધ્યાનમાં લઈ જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક હસ્તક્ષેપ કરે. જીઆઈડીસી, ઓપાલ મેનેજમેન્ટ અને ખેડૂતોની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે અને દોઢ દાયકા જૂના પડતર પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવામાં આવે. તેવી માગણી કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here