The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 54

દેડીયાપાડાના પીપલા કંકાલા ગામે શિક્ષણની દયનિય અને કથળેલી હાલત!

વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલ હોય તેવાં આદિવાસી વિસ્તાર એટલે ડેડીયાપાડા તાલુકામાં આવેલ પીપલા કંકાલા ગામમાં મુલાકાત લેતા નર્મદા જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા પીપલા કંકાલા ગામમાં એક જ ઓરડામાં ધોરણ ૧ થી ૫ સુધીના બાળકો શિક્ષણ લેતા જોવા મળ્યા હતા.

હાલની સંવેદનસિલ સરકાર વિકાસના નામ પર વાહ વાહી લૂંટાવી રહી છે ત્યારે દેડીયાપાડાનું સરકારી તંત્ર ઊંઘતું ઝડપાઈ ગયું છે અને રાજ્ય સરકારની પોલ ખોલતું શિક્ષણ સંકુલ સામે આવ્યુ છે.

દેડીયાપાડા તાલુકા મથક થી માત્ર પાંચ કિલોમીટર દૂર આવેલું પીપલા કંકાલા ગામમાં શિક્ષણની દયનિય અને કથળેલી હાલત જોવાં મળી, તાલુકા મથકે થી નજીકના ગામ માં આ પ્રમાણેની હાલત હોય તો ડેડીયાપાડા થી ઊંડાણવાળા વિસ્તારોના ગામોમાં શું હાલત હોય એ પ્રશ્ન દરેકના મનમાં ઉદ્દભવે.!

પીપલા કંકાલા ગામના આગેવાને જણાવ્યું હતું કે ઘણા સમયથી સરકારી તંત્રને રજૂઆત કરવા છતાં પણ અત્યાર સુધી મા અમને સંતોષકારક જવાબ મળ્યો નથી અને અધિકારીઓએ પ્રાથમિક શાળાના નવા ઓરડાઓ બાબતે કામગીરી હાથ ધરી નથી, વધુમાં ઉમેર્યું હતું કે અમારા ગામ ના નવા ઓરડાઓનું કામકાજ યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં ન આવે તો અમે સૌ ગામના લોકો ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

ભરૂચના ભૂવા ગામે વિજળી પડતા ૧૭ વર્ષીય યુવાને ગુમાવ્યો જીવ!

ભરૂચ ના ભૂવા ગામે વિજળી પડતા ઘરે પરત ફરી રહેલ ૧૭ વર્ષિય યુવાનું મોત નીપજતા કુટુંબીઓમાં શોક્નું મોજુ ફરી વળ્યું હતું.

તાજેતરમાં વરસતા વરસાદે સમગ્ર ભરૂચ જિલ્લાને ધમરોળવા સાથે અમુક સ્થાનો પર જળ બંબાકાર જેવી પરીસ્થીતિ સર્જાવા પામી છે. તેવામાં વરસતા વરસાદમાં ભરૂચના ભૂવા ગામે પટેલ ફળીયામાં રહેતા સહદેવ શંકર વસાવા (ઉ.વર્ષ.૧૭) બપોરે ૨ કલાક થી ૨.૩૦ ના સમય ગાળામાં ખેતરેથી પરત ઘરે આવતા હતા. ત્યારે ભૂવા ગામના રસ્તે એકાએક વિજળી  ૧૭ વર્ષીય સહદેવ વસાવા પર પડતા તે બેશુધ્ધ બની ઢળી પડયો હતો. જેને ગામના જ પ્રતામ કેશુર વસાવાએ જોતા ૧૦૮ મારફત સારવાર અર્થે ભરૂચ સિવિલ લાવ્યા હતા.જ્યાં હાજર તબીબે સહદેવ વસાવાને મરણ જાહેર કર્યો હતો.

એકાએક આશાસ્પદ ૧૭ વર્ષીય સહદેવના મોતના પગલે પરિવારજનોમાં શોક છવાયો હતો. ઘટના અંગે વર્ધી જતા તાલુકા પોલીસે આગળની કાર્યવાહી આરંભી છે.

ઝાડેશ્વરમાં વિધર્મી પ્રેમીએ પ્રેમિકાની બહેનનું ગળું દબાવી કર્યો હત્યાનો પ્રયાસ

ઝાડેશ્વરના કોઠી ફળિયામાં વિધર્મી પ્રેમીએ આતંક મચાવી પ્રેમિકાની બીજા નંબરની બહેનને ગળું દબાવી હત્યાનો પ્રયાસ કરતા માતાએ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. માતાની ફરિયાદના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

​​​​​​​ઝાડેશ્વર કોઠી ફળિયામાં વિધવા મહિલા તેમની ત્રણ દીકરીઓ સાથે રહે છે. મોટી દીકરી ફળિયામાં જ બે વર્ષથી ભાડે રહેતા સદામ હુસેન અંસારી સાથે પ્રેમ સંબંધમાં છે. ઘર બાજુમાં રહેતા કાકા કામ અર્થે આવ્યા હતા અને તેઓ મોટી દીકરીને સ્પર્શી જતા આ અંગે તેને તેના પ્રેમી સદામને જાણ કરી હતી. સદ્દામે પ્રેમિકાના ઘરે શુક્રવારે સાંજે દોડી જઇ તેને તમાચા લગાવી દીધા હતા.

જે બાદ કાકાના ઘરે જઈ મારામારી કરવા લાગ્યો હતો. માતા અને અન્ય બે દીકરીઓ છોડાવવા મોકલતા સદ્દામે બન્ને બહેનોને પણ લાફા ઝીંકયા હતા.જ્યારે બંન્નેવ બહેનો ઘરે આવી રહી હતી ત્યારે સદ્દામે તેનો પીછો કરી બીજા નંબરની દીકરીનું ગળું દબાવી દીધુ હતું. તું અમારા વચ્ચે પડતી હોય અને પ્રેમ સંબંધનો વિરોધ કરતી હોય તેમ કહી જાનથી મારી નાખવાની કોશિશ કરતા અન્યોએ વચ્ચે પડી તેને છોડાવી હતી. ગંભીર હાલતમાં યુવતીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. માતાએ પુત્રીનું ગળું દબાવી હત્યાના કરેલા પ્રયાસ બદલ સદામ સામે સી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ભરૂચની GNFC કંપનીએ કામદારોનો પગાર વધારો કર્યો… માત્ર ચાર રૂપિયાનો!

વાગરા તાલુકાના રહિયાદ ગામ ખાતે આવેલી GNFC નો ટીડીઆઇ પ્લાન્ટ ટુમાં લગભગ 500થી 600 જેટલા કામદારો કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે. તેઓને હાલ રૂ351 રોજ ચૂકવવામાં આવે છે. આજથી 15 દિવસ પહેલા કંપનીના કામદારોને કહેવામાં આવ્યું હતું કે, તમને રૂપિયા 90નો વધારો કરવામાં આવશે. પરંતુ 4 રૂપિયાનો વધારો થઈને આવતા કંપનીના કામદારો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કારણ એટલું જ કે, જો રોજના ચાર રૂપિયાનો વધારો થાય તો એક કટીંગ ચાઈ પણ આવતી નથી. ત્યારે કંપની દ્વારા માત્ર ચાર રૂપિયાનો વધારો કરીને કામદારો સાથે મજાક કરી હોય તેવું લાગતા કંપનીના કામદારો છેલ્લા 2 દિવસથી કામ બંધ કરીને કંપનીના ગેટ બહાર હડતાળ ઉપર ઉતરી ગયા છે.

​​​​​​​કામદારો લગભગ રૂ.90 નહીં તો રૂ.50નો વધારો કરી આપે તેવી માંગણી કરી રહ્યા છે. કામદારોના કહેવા મુજબ કંપનીમાં જે કેમિકલ ઉત્પાદન થઈ રહ્યું છે. તે બહુ જ ખતરનાક છે અને પોતે જીવના જોખમે આટલા નજીવા રૂપીયા રોજ લઈને કામ કરી રહ્યા છે. ખરેખર તો 390થી લઈને 400 રૂપિયાનો રોજ હોવો જોઈએ. પરંતુ હજુ સુધી કંપની સત્તાવાળા કે કોન્ટ્રાક્ટરોએ કામદારોના પગારમાં વધારો કર્યો નથી અને વધારો પણ કર્યો તો માત્ર ચાર રૂપિયા જ ખરેખર આ કામદારો સાથે મજાક થવાનું કામદારોએ કહ્યું હતું. અને જો વહેલી તકે કામદારોનો પગાર વધારો નહીં કરવામાં આવે તો કામદારો આગળના દિવસોમાં ભારે વિરોધ કરશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.

દેડિયાપાડા:હોટલ માલિક દ્વારા દારૂ પીવાની ના પાડતા માથાભારે તત્વોએ મચાવ્યો આતંક!

દેડીયાપાડાના નિવાલ્દા ખાતે હાઇવે પર આવેલ આશીર્વાદ હોટલમાં કેટલાક ઈસમોએ હોટલ માલિકે દારૂ પીવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ બે જણા સાથે ઝઘડો કરીને માર મારી બિલ ચૂકવ્યા વિના જ ભાગી જવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સલીમભાઈ મહમદજી ખત્રીએ આપેલ પોલીસ ફરિયાદ મુજબ આરોપી (1) હેમરાજસિંહ મહેન્દ્રસિંહ મહારાઉલજી રહે. અંદાળા,તા.અંકલેશ્વર, જી.ભરૂચ તથા (૨) અજયભાઈ જીવણભાઈ સોલંકી રહે.પુષ્પકુંજ સોસાયટી,જે.પી કોલેજ સામે ઓલ્ડ નેશનલ હાઇવે નં.૮ ભરૂચનાઓ  વિરુદ્ધ દેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

તેઓનાં જણાવ્યા મુજબ બંન્ને હોટલમાં જમવા બેઠા હતા અને જમ્યા બાદ પોતાની ગાડીમાંથી દારૂ લાવી પીતા હતા ત્યારે ફરિયાદીએ  દારૂ પીવાની મના કરતાં સમગ્ર મામલો ગરમાયો હતો. આરોપીઓ ઉશ્કેરાઈ ને હોટલ બંધ કરાવી દઈશ તેમ ધાક ધમકી આપી અને હોટલના કમ્પાઉન્ડમાં મૂકેલી હોટલ માલિકની ગાડીને નુકસાન કરી ભાગી છૂટ્યા હતા.

આ સમગ્ર ઘટના હોટલમાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થતાં દેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા (નર્મદા)

આમોદમાં વરસાદ બાદ સભામંડપની આસપાસ કાદવ કીચડ,તંત્રની યુદ્ધના ધોરણે કવાયત

ધોધમાર વરસાદ વરસતા આમોદમાં વડાપ્રધાનના આગમન પહેલાં સભામંડપ સહિત આસપાસ પાણી ભરાતા વહીવટીતંત્ર દ્વારા કપચી,મેટલ,તથા ડસ્ટ પાથરી સભાસ્થળને સમથળ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

જંબુસર તાલુકા ટંકારી બંદર સહિત ના પાંચ ગામોની ૨૦૦૦ એકર જેટલી જમીન ઉપર નિર્માણ થનાર ભારતના પ્રથમ બલ્ક ડ્રગ પાર્કના ખાતમુહૂર્ત માટે આમોદ ખાતે આગામી ૧૦ મી ઓક્ટોમ્બરને સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોય વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.ત્યારે ગત રોજ બપોર બાદ આમોદમાં ધોધમાર વરસાદ વરસતા વડાપ્રધાન માટે બનાવેલા સભામંડપની આસપાસ વરસાદી પાણી ભરાઈ ગયા હતા.આ ઉપરાંત તૈયારીઓના ભાગ રૂપે કામ કરતાં મજૂરોના મંડપ પણ ધોધમાર વરસાદ અને ભારે પવનને કારણે ઉડી ગયા હતા.

જેથી વડાપ્રધાનના આગમનની તૈયારી કરતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.તેમજ સભામંડપ સહિત પાર્કિંગ વ્યવસ્થામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા.આ ઉપરાંત વડાપ્રધાનની સભા માટે બંદોબસ્તમાં આવેલા અનેક પોલીસ જવાનો ના વાહનો પણ વરસાદને કારણે કાદવમાં ફસાઈ ગયા હતાં.અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન ની જાહેર સભા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે પરંતુ વરસાદ વરસતા તંત્ર ની તૈયારીઓ ઉપર જાણે પાણી ફરી વળ્યું હોય તેમ લાગી રહ્યું હતુ.

આજે સવાર થી જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સભાસ્થળે પરિસ્થિતી યથાવત કરવા વહીવટીતંત્ર ધ્વારા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી.સભા સ્થળે ભરાયેલ પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરી સભા મંડપની આજુબાજુની જગ્યા વ્યવસ્થિત કરવા સેંકડો જેસીબી મશીન તેમજ મજૂરોને કામે લગાડયા છે.તેમજ એક હજાર થી વધુ ગાડી મેટલ,કપચી,ડસ્ટ પાથરી યથાવત સ્થિતી કરવાની કામગીરી હાથ ધરવામા આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજે બપોરે પાર્કિંગ સ્થળની જિલ્લા કલેકટર તુષાર સુમેરા જિલ્લા પોલીસ વડા ડૉ.લીના પાટીલ,નાયબ કલેકટર ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા,ભરૂચ જિલ્લા સાસંદ મનસુખભાઇ વસાવાએ તેમજ આમોદ તાલુકા ભાજપના સ્થાનિક આગેવાનોએ સ્થળ મુલાકાત લીધી હતી. જેમાં પાર્કિંગ વ્યવસ્થા બદલવા અંગે ચર્ચા વિચારણા કરી હતી.

* રિપોર્ટર:વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

ભરૂચના આમોદ ખાતે પ્રધાનમંત્રીના આગમનને લઇને સભાસ્થળ ઉપર તડામાર તૈયારી

આગામી તારીખ 10મી ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભરૂચના આમોદ ખાતેથી વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમૂહૂર્ત કરવામાં આવશે. જેની તડામાર તૈયારી તંત્ર દ્વારા આંભાઇ છે. આ કાર્યક્રમની તૈયારી અંગે પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની ઉપસ્થિતમાં એક બેઠક પણ મળી હતી.

આગામી 10મી ઓક્ટોબરે સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભરૂચ જિલ્લાના જંબુસર તથા આમોદ ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા આવવાના હોય જિલ્લા ભાજપના આગેવાનોની આમોદ ખાતે સભાસ્થળ ઉપર બેઠક મળી હતી.જેમાં પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું.

જેમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા,માજી સાસંદ ભરતસિંહ પરમાર,જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ,નાહીયેર ગુરુકુળના ડી.કે.સ્વામી,ભરૂચના ધારાસભ્ય દુષ્યંતપટેલ,પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી,પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ભાજપની આયોજન બેઠકમાં આમોદ ખાતે યોજાનારી વડાપ્રધાનની જાહેર સભામાં દોઢ થી બે લાખ જનમેદની ઉમટી પડવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.આ ઉપરાંત ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશાળ મંડપ તૈયાર કરવાની તડામાર તૈયારી આંભાઇ છે.

જૂના ભરૂચના રણછોડજી મંદિરે શરદ પૂનમે દીપમાળા અને ઉભા ભજનની તડામાર તૈયારી

કોરોના બાદ આ વર્ષે ભરૂચના રણછોડજી મંદિરે શરદ પૂનમે દીપમાળા અને ઉભા ભજનનો સહિતના કાર્યક્રમોને લઇ તડામાર તૈયારી ચાલી રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેરના રણછોડજી ઢોળાવમાં આવેલા અતિપૌરાણિક રણછોડ મંદિરે શરદ પૂર્ણિમાની ઉજવણીનો અનેરો મહિમા રહેલો છે.

જૂના ભરૂચ રણછોડજી ઢોળાવ સ્થીત શરદપૂનમ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે.બે વર્ષ કોરોના કાળને બાદ કરતા આ વર્ષે છૂટછાટ મળતા જ દીપમાળા ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે રણછોડજીનો શણગાર સાથે આરતી તેમજ દીપમાળાને લાઈટિંગ કરવા અને ઉભા ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા ભાવિક ભક્તોને નિમંત્રણ પાઠવાયું છે.

ભરૂચ મામલતદાર કચેરી ખાતે અપૂરતી સુવિધા : અરજદારો અટવાયા

ભરૂચ મામલતદાર કચેરી ખાતે છેલ્લા ચાર દિવસથી અપૂરતી સુવિધાને પગલે વિવિધ યોજનાના લાભાર્થીઓ અને અરજદારોને ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

ભરૂચ મામલતદાર કચેરીના કેટલાક વિભાગના કર્મચારીઓ હાલમાં વિવિધ પડતર માંગણીઓને લઇ હડતાળ ઉપર ઉતરી ગયા છે. જેથી વિવિધ યોજનાના લાભાર્થીઓ અને અરજદારો અટવાઈ પડ્યા હતા, જે બાદ કર્મચારીઓ ફરી પોતાની સેવાના કાર્યસ્થળે હાજર થયા છે.

જોકે, ભરૂચના કણબી વગમાં આવેલ મામલતદાર કચેરી ખાતે સવારથી લાઈન લગાવી ઉભા રહેતા અરજદારોને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. વિવિધ યોજનાના લાભાર્થીઓ અને અરજદારો કચેરી ખાતે પોતાના કામ માટે આવે છે ત્યાં હાજર સ્ટાફ દ્વારા સર્વર ડાઉન હોવા સાથે ધરમ ધક્કા ખવડાવી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. તંત્ર દ્વારા યોગ્ય સુવિધા કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.

વડાપ્રધાનની મુલાકાતને અનુલક્ષી ભરૂચ ખાતે મંત્રી પૂર્ણેશભાઇએ કર્યું સ્થળ નિરીક્ષણ

આગામી તા.૧૦ ઓકટોબર, સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભરૂચ જિલ્લાના જંબુસર તથા આમોદ ખાતે  વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવાના છે. જેને અનુલક્ષીને આજે આમોદ ખાતે વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ મુલાકાત લઈને સમીક્ષા બેઠક યોજાઇ હતી.

જેમાં મંત્રીએ વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે અધિકારીઓ- પદાધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું  હતું. કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપન, સ્થળ, સુરક્ષા, પાર્કિંગ વગેરેને લઇને સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા સાથે જરૂરી સુચના આપી તેમજ  મંત્રીએ તમામ કાર્યક્રમોની વિગતો મેળવી બેઠક વ્યવસ્થા, પાર્કિગ, લોકાર્પણ/ ખાતમૂર્હત, જાહેરસભા સહિતના કાર્યક્રમોની સમીક્ષા કરી હતી. જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ વડાપ્રધાનના કાર્યક્રમ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓની વિગતવાર માહિતી આપી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ, નિવાસી અધિક કલેકટર એન આર ધાધલ સહિત અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!